પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે પણ જુદીજુદી સંસ્થાઓના આગેવાનોએ મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકને આ તબક્કે યાદ કરી તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા છે.
શહેરના સંતરામ સર્કલ નજીક આવેલ ઈન્દુલાલ યાજ્ઞિકની પૂર્ણ કદની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું હતું એટલે કે દ્વિભાષી રાજ્ય હતું. ત્યારે મહાગુજરાત આંદોલન ચળવળ ચલાવી ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપ્યો હતો. આ આંદોલન ચળવળના પ્રણેતા એવા ઈન્દુલાલ યાજ્ઞિકને આજના તબક્કે કેમના ભુલાય ? તો ગુજરાત રાજ્યની સ્થાપનામાં જેમનો સિંહ ફાળો છે એ રવિશંકર મહારાજને પણ કેમ ભૂલાય ? ત્યારે આ કાર્યક્રમમાં આજે આ બંને વિભૂતીઓને યાદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સ્કૂલ બોર્ડ ચેરમેન, નગરપાલિકાના કાઉન્સિલરઓ, નડિયાદ શહેર સંગઠન અને તમામ મોરચાના પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના કાર્યકરો, સામાજિક કાર્યકર ગૌતમભાઇ બ્રહ્મભટ્ટ ,સામાજિક કાર્યકર બીપીનભાઈ પટેલ, સામાજિક કાર્યકર અમીત સોની, કાંતિભાઈ શર્મા, ઘનશ્યામભાઈ કા.પટેલ, એ.ડી.રાઠોડ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.