નવા વર્ષમાં સરકાર ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ડીલ કરવા જઈ રહી છે. સશસ્ત્ર દળોની પ્રહાર ક્ષમતાને વધારવાની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે, તે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા ફાઇટર એરક્રાફ્ટ, સબમરીન, હેલિકોપ્ટર અને આર્ટિલરી માટે ઓછામાં ઓછા ચાર મોટી ડિફેન્સ ડીલ સાઈન કરશે. જેની કુલ કિંમત 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ભારત ફ્રાન્સ સાથે કરશે આ મોટી ડીલ
ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઈટર જેટ માટે લગભગ 63,000 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરશે. જેને એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે.
આ સીલમાં 22 સિંગલ-સીટ મેરીટાઇમ જેટ અને નેવીના ચાર ટ્વીન-સીટ ટ્રેનર્સ તેમજ પાંચ વર્ષ માટે હથિયારો, સિમ્યુલેટર, ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ તેમજ 36 રાફેલના સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે. આ ડીલ અંગે કેબિનેટ સમિતિની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
પીએમ મોદી પણ કરશે એક મોટી ડીલ
પીએમ મોદી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ માટે 11 અને 12 ફેબ્રુઆરીએ ફ્રાન્સ જવાના છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સ સાથે 38,000 કરોડ રૂપિયાના અન્ય કરાર પર હસ્તાક્ષર કરશે. આ કરારમાં ભારત લાંબા સમય સુધી પાણીની અંદર રહેવા માટે ત્રણ વધારાની સ્કોર્પિન ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન અને એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) હસ્તગત કરશે. તેનું નિર્માણ મુંબઈમાં મઝગાંવ ડોક્સ ખાતે કરવામાં આવશે. તેમજ તે વર્ષ 2031 સુધીમાં તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત, ભારત સરકાર 156 સ્વદેશી પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર માટે આશરે રૂ. 53,000 કરોડ અને 307 સ્વદેશી એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) માટે રૂ. 8,500 કરોડની ડીલ કરવા જઇ રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત નવા પ્રચંડ હેલિકોપ્ટર સિયાચીન ગ્લેશિયર અને પૂર્વ લદ્દાખ જેવા વિસ્તારો માટે ખરીદવામાં આવી રહ્યા છે. તેમજ DRDO દ્વારા ડિઝાઇન અને વિકસિત ATAGSની મારક ક્ષમતા 48 કિમી સુધીની છે. આ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવશે.