ડાંગ જિલ્લાના સુબીર જેવા છેવાડાના વિસ્તારમાંથી આપણા વિદ્યાર્થી બંધુ તથા ભગીનીઓને પોતાના કારકિર્દીના ઘડતરમાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા શ્રી ગોવિંદગુરૂ સુવિધા સંકુલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એમાં સુબીર આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ સંકુલમાં નિઃશુલ્ક પુસ્તકાલયની સુવિધા, કારકિર્દી માર્ગદર્શન તથા સહાયતા કેન્દ્રનો સમાવેશ થાય છે. આ સુવિધા કેન્દ્રના માધ્યમથી સુબીર વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો અને યુવતીઓને વિવિધ પુસ્તકો ઉપરાંત શાંત વાતાવરણમાં બેસીને તૈયારી કરવા મળશે.
શ્રી ગોવિંદગુરૂ સુવિધા સંકુલનો ઉદ્દેશ્ય જનજાતિ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વર્ગ ૧-૨-૩ની વિવિધ પરીક્ષાઓમાં સફળતા મેળવી પોતાનું તથા પરિવારનું જીવન ધોરણ ઉંચુ લાવે તેવા ઉદ્દેશ્યથી આ સેવાકાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. સુબીર વિસ્તારમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની બીજી કોઈ સુવિધા ન હોવાથી આ સંકુલ બધાને મદદરૂપ બનશે.
આ કાર્યક્રમ દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધાવી પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે ખુલુ મુકવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ ઢિમ્મર, સામાજીક અગ્રણી છબીલદાસજી વ્યવહારે કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી ગોવિંદગુરૂ સુવિધા સંકુલ, સુબીર એ શબરીધામ જતા રોડ પર અંદાજિત એક કિલોમીટર પર આવેલ છે.