માતર તાલુકાના ખાંધલી ગામની સીમમાં મોટી કેનાલ ઉપર ડિલીવરી કરવા જનાર કુરિયર કંપનીના ડિલીવરી બોયને કુરિયર મંગાવનાર ઇસમે જ આંખમાં મરચાની ભુકી નાખી ધક્કો મારી નીચે પાડી અને બાઇક સાથે બાંધેલા પાર્સલ નંગ’૪ કિ.રૂ. ૧,૪૯,૨૩૭ તથા ડિલીવરી બોયની બાઇક કિ.રૂા. ૩૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૭૯,૨૩૭ની લુંટ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે કુરિયર કંપનીના ડિલીવરી બોયે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના માનપુરા ગામમાં રહેતા નરેશકુમાર દિનેશભાઇ ઠાકોર પેટલાદ મુકામે આવેલી ઇકોમ એક્સપ્રેસ કુરિયર કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.આ કંપનીમાં અલગ અલગ કંપનીના ઓનલાઇન ગ્રાહકોના પાર્સલો આવે છે. જે પાર્સલ ઓર્ડર કરેલ વ્યક્તિના ઘરે પહોંચાડવાનું કામ તે કરે છે. તેને મહેનતાણા પેટે પાર્સલવાઇઝ કમિશન મળે છે. આ પાર્સલ પહોંચાડવા માટે તે પોતાની પ્લેટીના બાઇક નં. જી. જે. ૨૩. ડી. સી.૩૬૭૨લઇ સવારના પેટલાદની કુરિયરની ઓફિસે ગયો હતો. તે સવારના ૧૧ વાગે કુરિયર કંપનીની ઓફીસમાંથી ગ્રાહકોના પાર્સલો થેલામાં લઇ બાઇકના હુકમાં દોરડી વડે બાંધી પીપળાવ, ત્રંબોવાડ, મલાતજ ગામે ડિલીવરી કરી ત્યાંથી નાંદોલી ગામે મુકેશભાઇ રાઠોડના નામની આઇ.ડી.થી પાર્સલ મંગવનારના મોબાઇલ ફોન ઉપર ફોન કરેલો અને જણાવેલ કે, તમારા ચાર મોબાઇલનાં પાર્સલ આવી ગયેલાં છે. કઇ જગ્યાએ ડિલીવરી કરવાની છે?તેવો ફોન કરતાં મુકેશ રાઠોડે જણાવેલું કે, હું નાંદોલી કેનાલ ઉપર છું અને તે કેનાલની ઉપર બાજુના પાળા ઉપર રસ્તા ઉપર ઉભેલો હતો.જેથી નરેશ તેની પાસે ગયો હતો અને મંગાવેલા પાર્સલો આપતાં તેઓએ ઓપન કુરિયર માંગતા નરેશે કંપનીના નિયમ મુજબ ઓપન કુરિયર આપવાની ના પાડી હતી અને તેઓએ ઓર્ડર કેન્સલ કર્યો હતો. તે પછી નરેશભાઇ પાર્સલો બાઇકમાં ભરવેલા થેલામાં મુકી બાઇક ચાલુ કરવા જતા હતા ત્યારે કુરિયર મંગાવનાર મુકેશ રાઠોડે તેના ખીસ્સામાંથી મરચાંની ભુકી કાઢીને નરેશની આંખમાં નાંખી હતી અને નરેશને ધક્કો મારી બાઇક ઉપરથી પાડી દઇને મુકેશ રાઠોડ બાઇક અને પાર્સલની લુંટ કરી જતો રહ્યો હતો. આ બાજુ નરેશભાઇએ આંખમાં બળતરા થતી હતી.તેથી કેનાલના પાણી આંખો ધોઇને કેનાલ ઉપર તપાસ કરતા પાર્સલ મંગાવનાર ઇસમનો,બાઇક અને પાર્સલનો કોઇ પત્તો નહતો.જેથી નરેશે સુપરવાઇઝરને ફોન કરતાં કુરિયરની ડિલીવરી કરતા વિશાલભાઇ ઠાકોર લીંબાસીની નજીક હોય તે આવી ગયા હતા.આ બન્નેએ વ માતર પોલીસ મથકે જઇ ફ્લીપકાર્ડ કંપનીમાંથી ઓર્ડર મંગાવેલા પાર્સલો લઇ જનાર ઇમસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર પાર્સલ કિ.રૂા. ૧,૪૯,૨૩૭ તથા બાઇક કિ.રૂા. ૩૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૭૯,૨૩૭ની લુંટ કરી ભાગી જનાર મુકેશ રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.