PM નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનમાં વડા પ્રધાન મોદીના દ્રઢ વિશ્વાસથી પ્રેરિત, કેન્દ્ર સરકાર દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે.
પીએમ મોદીએ આ અંગે કહ્યું હતુ કે અમારી સરકારે સહકારી બેંકોને મજબૂત કરી છે. અમે જાહેર ક્ષેત્રની બેંકો માટે સરળ નિયમો બનાવ્યા છે. સહકારી મંડળીને મજબૂત કરવા માટે કર ઘટાડવામાં આવ્યા હતા. આ સાથે પીએમએ છેલ્લા 9 વર્ષમાં સહકારી ક્ષેત્રોમાં થયેલા ફેરફારો અને સરકારના પ્રયાસોની માહિતી આપી છે.
સહકારી સંસ્થાઓમાં કોર્પોરેટ જેવી સુવિધા
રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, આજે કો-ઓપરેટિવને એ જ સુવિધાઓ અને પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યા છે, જે કોર્પોરેટ સેક્ટરને ઉપલબ્ધ છે. સહકારી મંડળીઓની તાકાત વધારવા માટે તેમના માટે ટેક્સના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્રને લગતા પ્રશ્નો જે વર્ષોથી પેન્ડીંગ હતા તેને પણ ઉકેલ લાવવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ આ અંગે વધુ કહેતા 2014 પહેલા ખેડૂતોની સ્થિતિને લઈને પણ ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતુ કે ખેડૂતો ઘણીવાર કહેતા હતા કે તેમને સરકાર તરફથી બહુ ઓછી મદદ મળે છે અને જે પણ ઓછી વત્તી મદદ મળતી હતી તે વચેટિયાઓના ખાતામાં ચાલી જાય છે. દેશના નાના અને મધ્યમ ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહ્યા છે. પરંતુ છેલ્લા 9 વર્ષમાં આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે કરોડો નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે આ સીસ્ટમથી વચેટિયાને જે લાભ થતા હતા તેના બદલે હવે ખેડૂતોને સીધો લાભ મળે છે.
ખેડૂતોને સીધો લાભ
પીએમ મોદીએ કાર્યક્રમમાં ખેડૂતોને મળતી સહાયને લઈને ચર્ચા કરતા કહ્યું હતુ કે છેલ્લા 4 વર્ષમાં આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયા સીધા મોકલવામાં આવ્યા છે. આ રકમ કેટલી મોટી હશે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે 2014 પહેલા પાંચ વર્ષ માટે કુલ કૃષિ બજેટ 90 હજાર કરોડ રૂપિયાથી ઓછું હતું.