વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ ભાજપ અગ્રણી ધવલ દવેએ ભાવનગર ખાતેની બેઠકમાં જણાવ્યું તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવાડિયું ઉજવાનાર હોવાની વિગતો કાર્યકર્તાઓને આપી છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષસ્થાને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ મંગળવાર ૧૭ સપ્ટેમ્બરથી સેવા પખવાડિયું ઉજવાનાર હોવાની વિગતો કાર્યકર્તાઓને આપવામાં આવી અને તેઓએ સદસ્યતા નોંધણી માટે પણ સક્રિય રહેવા અનુરોધ કર્યો.
સેવા પખવાડિયા સંદર્ભે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવેએ તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન થનાર આયોજન અંગે વાત કરી. તેઓએ વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ જણાવી આ પખવાડિયા દરમિયાન તબક્કાવાર રક્તદાન, મહિલા આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન, રમત ગમત પ્રતિભા સન્માન સાથે પ્રદર્શની તેમજ કળા સ્પર્ધાઓનાં ઉપક્રમ માટે વાત કરી, તેમાં સક્રિયતા સાથે સામાજિક જવાબદારી રહ્યાનું જણાવ્યું. આ સાથે જ પંડિત દીનદયાળ વંદના, મહાત્મા ગાંધી વંદના વગેરે આયોજનો અંગે માર્ગદર્શન આપ્યું.
સેવા પખવાડિયા સંદર્ભે ભાવનગરમાં યોજાયેલ બેઠકમાં પ્રારંભે સંયોજક રાજેશભાઈ ફાળકીએ સ્વાગત ઉદ્બોધન કર્યું, જ્યારે આભારવિધિ સહસંયોજક અભેશંગભાઈ પરમારે કરી હતી. સહ સંયોજકો ચેતનસિંહ સરવૈયા તથા મનહરભાઈ બલદાણિયા, શ્રદ્ધાબેન લંગાળિયા વગેરે સાથે પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિત અને અલગ અલગ મોરચાનાં હોદ્દેદાર કાર્યકર્તાઓ આયોજન ચર્ચામાં જોડાયાં હતાં.