વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવા માટે તેમનું સમર્થન આપ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 79મા સત્રને સંબોધતા બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે કહ્યું કે ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફાર જરૂરી છે.’ આ ઉપરાંત વધુમાં સ્ટારમરે કહ્યું કે ‘સુરક્ષા પરિષદમાં વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ અને તે કામ કરનાર હોવું જોઈએ, રાજકારણથી લકવાગ્રસ્ત ન થવું જોઈએ.’ અમે ઈચ્છીએ છીએ કે આફ્રિકાને કાયમી પ્રતિનિધિત્વ આપવામાં આવે અને સાથે બ્રાઝિલ, ભારત, જાપાન અને જર્મનીને પણ કાયમી સભ્ય બનાવવામાં આવે. ચૂંટાયેલા સભ્યોની બેઠકો પણ વધારવી જોઈએ.
#Watch | #UNSC has to change in order to become a more representative body. We want to see India as a permanent member: Keir Starmer, Prime Minister, United Kingdom in his #UNGA address#UNGA79 | pic.twitter.com/VgusYTSTG9
— All India Radio News (@airnewsalerts) September 27, 2024
ભારતીય વિદેશ મંત્રાલયના સચિવે આ વાત કહી હતી
સંયુક્ત રાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ પારદર્શક, કાર્યક્ષમ, અસરકારક અને લોકશાહી બનાવવા માટે તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તન્મય લાલે કહ્યું હતું કે ‘ગંભીર સશસ્ત્ર સંઘર્ષો આપણી અર્થવ્યવસ્થા અને સમાજને અસર કરી રહ્યા છે અને વર્તમાન સુરક્ષા પરિષદ આવા સંઘર્ષોને સમાપ્ત કરવામાં અથવા અટકાવવામાં, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ સામે લડવામાં અને સમુદ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં ગંભીર રીતે નિષ્ફળ રહી છે.’
અગાઉ ફ્રાંસ અને અમેરિકા સમર્થન કરી ચૂક્યા છે
અગાઉ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધતી વખતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી બેઠક આપવાનું સમર્થન કર્યું હતું. પોતાના સંબોધનમાં ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ‘ફ્રાંસ સુરક્ષા પરિષદના વિસ્તરણના પક્ષમાં છે અને જર્મની, જાપાન, ભારત અને બ્રાઝિલને પણ સુરક્ષા પરિષદના કાયમી સભ્યો હોવા જોઈએ. તેમજ આફ્રિકાના બે દેશોને તેમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ.’ ફ્રાંસ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસે પણ એક કાર્યક્રમમાં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાનું સમર્થન કર્યું હતું.
ભારતની લાંબા સમયથી કાયમી બેઠકની માગ
ભારત વિકાસશીલ વિશ્વના હિતોનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરવા માટે લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકની માગ કરી રહ્યું છે. વિશ્વના ઘણા દેશોએ તેને સમર્થન આપ્યું છે. UNSC એ 15 સભ્યોનું બનેલો સમૂહ છે. તેમાં 5 કાયમી સભ્યો છે, જેમની પાસે વીટોની સત્તા છે. બે વર્ષની મુદત માટે ચૂંટાયેલા 10 બિન-સ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. પાંચ સ્થાયી સભ્યોમાં ચીન, યુકે, ફ્રાંસ, રશિયા અને યુએસ સામેલ છે.