અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં સામે આવી છે. સોલા રોડ પર આવેલા ભૂયંગદેવ ચાર રસ્તા પાસેની નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલાનું કારણ ચાર મહિના જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. નેશનલ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારને કારણે હુમલાખોર વિદ્યાર્થીએ અદાવત રાખી હતી અને આજે સવારે અન્ય સાથીદારો સાથે મળીને ભોગ બનનાર વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના
ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓની લડાઈમાં ચાકૂથી હુમલો
અગાઉની અદાવતમાં વિદ્યાર્થીને ચાકૂના ઘા માર્યા..
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર શરૂ
પોલીસે ઘટનાની શરૂ કરી તપાસ..#Ahmedabad pic.twitter.com/UR9a47feUm
— Sagar Patoliya (@kathiyawadiii) January 19, 2026
મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે અચાનક છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા. શાળાની બહાર, ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.
આ મામલે અમદાવાદ સિટીના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “નેશનલ સ્કૂલના સંચાલક દ્વારા ટેલિફોનિક પૂછતાછ દરમિયાન માહિતી મળી છે કે ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થયા બાદ બહાર અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને હાલ તેને રજા પણ આપવામાં આવી છે.”
ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધોરણ 10ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂની ખેલથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. શાળાની બહાર બનેલી આ ગંભીર ઘટનાએ વાલીઓમાં પણ ભારે ચિંતા ઉભી કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel