અમદાવાદમાં ચટપટી પાણીપુરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં ગંભીર અને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન 280 પાણીપુરીની લારીઓ પર પાણીમાં જોખમી સિન્થેટિક કલર અને બેક્ટેરિયા મળ્યા હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. શહેરના નાગરિકોમાં ખૂબ લોકપ્રિય એવી પાણીપુરી હવે સ્વાસ્થ્ય માટે ખતરો બની રહી છે.
પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં ચટકા પ્રેમીઓ તેનો ત્યાગ કરી શકતા નથી. પરંતુ AMCના આરોગ્ય વિભાગની તપાસે સાબિત કરી દીધું છે કે બજારમાં વેચાતી પાણીપુરીમાં સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની વિદાય અને બદલાતી ઋતુ વચ્ચે આ સ્થિતિ વધુ ગંભીર બની છે.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 1121 પાણીપુરીની લારીઓની તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈને તીખા અને મીઠા પાણી તેમજ મસાલાના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
તપાસમાં સૌથી ગંભીર ખુલાસો એ થયો કે 280 લારીઓ પર પાણીમાં પરવાનગી વિનાનો અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો સિન્થેટિક કલર ભેળવવામાં આવી રહ્યો હતો. પાણીને વધુ ઘાટું અને આકર્ષક દેખાડવા માટે કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, જે લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
બેક્ટેરિયાની તપાસ દરમિયાન 77 જેટલી જગ્યાઓ પરથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 2 જગ્યાઓ પર જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા ટાઈફોઈડ અને કોલેરા જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણીરૂપ છે.
આ કાર્યવાહી બાદ AMC દ્વારા અખાદ્ય અને હાનિકારક જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા લારીધારકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ કડક નોટિસ પણ પાઠવવામાં આવી છે. તંત્રએ નાગરિકોને બહારની વસ્તુઓ ખાતા પહેલા સ્વચ્છતા અને ગુણવત્તાની ચકાસણી કરવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર અમદાવાદ શહેરના છે. નાના શહેરો અને ગામડાઓમાં સ્થિતિ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા વધુ ખરાબ હોવાની સંભાવના પણ નકારી શકાય નહીં, જે સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel