વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર વડાપ્રધાન મોદીની નજરથી ઝુપડપટ્ટી અને ગંદકી છૂપાવવા આડા મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.
ઝૂંપડપટ્ટી સંતાડવા મારવામાં આવી રહ્યાં છે શેડ
PM મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના અમિત બ્રિજને રંગવાનું કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ પરની દિવાલો ઉપર પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી 20 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ પરથી પસાર થવાના છે, તે રૂટ પર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે.
રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાનનું કામ 20 ઓક્ટોબર પૂરુ કરાશે
રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતર રૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જવાના રોડ પર સાંઇદીપનગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. વઅહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે.