ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિપક્ષ વિખેરાયેલું અને હતાશ લાગી રહ્યું છે.
INDIA નામ પર PM મોદીના આકરા પ્રહારો
આટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી. આ દરમિયાન, તેમણે વિપક્ષના મહાગઠબંધનના નવા નામકરણ INDIA પર પણ પ્રહાર કર્યા હતા. વિપક્ષી ગઠબંધન INDIA પર પીએમ બોલતા કહ્યું કે ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ તેનો ઉલ્લેખ હતો.
સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની પણ અટકળો
વડાપ્રધાન મોદીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું નામ પણ લીધું હતું. તેમણે કહ્યું કે, આ સંગઠનના નામમાં પણ ભારત છે. દરમિયાન, ભારતમાં સામેલ વિપક્ષી પાર્ટીઓએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. TMCના એક સાંસદે આ દાવો કર્યો છે.