દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે શ્રીનગર જઈ રહ્યા છે. 370 કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ શ્રીનગરમાં એક રેલીને સંબોધવાના છે. જેને લઈને ભાજપનો દાવો છે કે કાશ્મીરના ઈતિહાસની આ સૌથી મોટી રેલી હશે, જેમાં 2 લાખથી વધુ લોકો એકઠા થશે. પીએમ મોદીની આ રેલી માટે શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આ દરમિયાન 7 કિલોમીટરનો રોડ શો કરીને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે.
બક્ષી સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદી રૂ. 6400 કરોડની અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. પીએમના આગમન પહેલા શ્રીનગર લગભગ 10 હજાર ત્રિરંગા અને ભાજપના ઝંડાઓથી ઢંકાઈ ગયું છે. શ્રીનગરમાં નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમની બહાર 24 કલાક અગાઉથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે.
લોકોને રેલીમાં ન સામેલ થવા ધમકીઓ મળી
શ્રીનગરમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા પહેલા કાશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકોને પીએમની જાહેર સભામાં ન આવવાની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કાશ્મીરમાં પીએમની રેલીનો બહિષ્કાર કરવા માટે મોબાઈલ અને લેન્ડલાઈન પર ધમકીભર્યા કોલ કરી રહી છે. કાશ્મીરના લોકોને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી કોલ આવી રહ્યા છે.આ અંગે સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા
જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાનની મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના શ્રીનગરમાં રોકાણ દરમિયાન તમામ માર્ગો પર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે તેમની મુલાકાત દરમિયાન લોકોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દેખરેખ માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સ્થળની આસપાસ બે કિલોમીટરની ત્રિજ્યામાં સુરક્ષા દળો દ્વારા ફૂટ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. જેલમ નદી અને દલ સરોવરમાં મરીન કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.