પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જીલ્લામાં સૌથી વધુ મતદાન હારીજ નગરપાલિકામાં ૭૭ ટકા જેટલું નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સિધ્ધપુર નગરપાલિકામાં વોર્ડ નં. ૧ માં ૩૧.૫૬ ટકા અને વોર્ડ નં. ૭ માં ૩૬.૧૯ ટકા નોંધાયું છે. ચાણસ્મા નગરપાલિકામાં ૬૬.૭૮ ટકા અને રાધનપુર નગરપાલિકામાં ૬૦.૫૩ ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાનું સરેરાશ મતદાન ૬૧ ટકા જેવું થયું છે.
પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી, સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નં. ૧ અને ૭ની પેટા ચૂંટણી તેમજ હારીજ તાલુકા પંચાયતની ૧૨ – સાંકરા મતદાર મંડળ, સમી તાલુકા પંચાયતની ૭ – કનીજ મતદાર મંડળ અને સિધ્ધપુર તાલુકા પંચાયતની ૧૯ – સમોડા મતદાર મંડળની પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ યોજાયું હતું. લોકોએ વહેલી સવારથી જ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે ૭ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં નગરપાલિકાઓની કુલ ૭૮ બેઠકો માટે ચૂંટણીમાં સરેરાશ ૬૧ ટકા જેવું મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતની ૭- કનીજ તા. સમી અને ૧૯- સમોડા તા. સિધ્ધપુર ની બે બેઠકો માટે ૫૮.૩૩ ટકા મતદાન નોંધાયું છે. હારીજ તાલુકા પંચાયતની ૧૨ – સાંકરા બેઠક આદિજાતિ સ્ત્રી અનામત હોઇ કોઈ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. આથી આ બેઠક પર મતદાન થયું નથી. મતદાન પૂર્ણ થતાં ઇવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં. આ સાથે કુલ ૧૬૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.
જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત અમલીકરણ થાય એ માટે ચૂંટણીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. બંધારણ દ્વારા આપવામાં આવેલ મતાધિકારનો ઉપયોગ કરી લોકોએ લોકતંત્રને મજબુત બનાવવા માટે મત આપી ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમમાં કેદ કર્યું હતું.આ ચૂંટણીઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો ભરાશે અને લોકશાહી પ્રક્રિયા મજબૂત બનશે. મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ થનાર છે.