વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જળયાત્રા બેન્ડવાજાની સુરાવલી સાથે વાજતે ગાજતે વડતાલ મંદિરે પધારી હતી. રવિવાર તા.૬ એપ્રિલના રોજ રામનવમીના શુભિદિને ભગવાન શ્રી સ્વામિનારાયણના ૨૪૪ મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે સવારે ૫:૩૦ થી ૭:૩૦ દરમ્યાન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મંદિરમાં બિરાજતા દેવોનો અભિષેક થશે. ત્યારબાદ ૧૧ઃ૦૦ વાગે અન્નકુટ દર્શન થશે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને કાર્તકી (પ્રબોધિની) તથા ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. રામનવમી ને રવિવારના રોજ ભગવાન શ્રીહરિના ૨૪૪ મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અ.નિ.મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હસ્તે હરિકૃષ્ણભાઈ મનહરલાલ પટેલ તથા સ્નેહ હરિકૃષ્ણભાઈ પટેલ તથા સહ પરિવાર (રહે.મેતપુર) હાલ જયપુર તરફથી દેવોનો અભિષેક રાખવામાં આવેલ છે. જેનલ સમય સવારે ૫:૩૦ થી ૭:૩૦ કલાકનો રાખેલ છે. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મોટા લાલજી પૂ.સૌરભપ્રસાદદાસજી તથા નાના લાલજી પૂ દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે અભિષેક વિધિ સંપન્ન થશે. ત્યારબાદ સવારે ૮:૦૦ કલાકે ચૈત્રી સમૈયાનો પ્રારંભ થશે. ચૈત્રી સમૈયા અંતર્ગત પ.પૂ.શાસ્ત્રી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી (પીજ) ના હેતવાળા હરિભક્તો તરફથી શ્રી હરિસ્મૃતિ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.પ્રિયદર્શનદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. જેનો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા સાંજે ૩:૩૦ થી ૬:૩૦ કલાક રાખવામાં આવેલ છે. કથા સ્થળ વડતાલ મંદિરના સભામંડપમાં રાખેલ છે.
અભિષેક તથા ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારે થી પોથીયાત્રા તથા જળયાત્રાનું પુજન મંદિરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ટ ધ્વારા કરાવવામાં આવી હતી. આ પુજનમાં અભિષેક યજમાન પરિવારના મહિલા સભ્યોએ માથે કળશ લઈ તથા કથાના યજમાન પરિવારના સભ્યો ધ્વારા પોથીયાત્રા લઈ વાજતે ગાજતે વડતાલધામના રાજમાર્ગો પર ફરી મંદિરે પહોંચી હતી.
આ શોભાયાત્રામાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા પૂ.ગોવિંદ સ્વામી સહિત સંપ્રદાયના વડીલ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર પોથીયાત્રા જળયાત્રા તથા શોભાયાત્રાનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)