અમદાવાદ શહેર 2030ની કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં સતત ઝડપ પકડી રહ્યું છે અને આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં એસ.પી. રિંગ રોડ પાસે 43,890 ચોરસ મીટર વિસ્તારમાં ₹58.68 કરોડના ખર્ચે એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આઉટડોર અને ઈન્ડોર બંને પ્રકારની વિશ્વસ્તરની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ કોમ્પ્લેક્સમાં 400 મીટરનો હરિયાળો એથલેટિક ટ્રેક, 105×68 મીટરનું વિશાળ ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ બે ફિક્સ્ડ અને બે મૂવેબલ ગોલપોસ્ટ સાથે, સ્પ્રિંકલર સિસ્ટમ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ચાર આઉટડોર ટેનિસ કોર્ટ, લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ માટે ખાસ વ્યવસ્થા તેમજ સિન્થેટિક લોંગ જમ્પ ટ્રેકનો સમાવેશ થાય છે. ઈન્ડોર સુવિધાઓમાં અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ફિલ્ટ્રેશન પ્લાન્ટ, કોચ રૂમ, ચેન્જિંગ રૂમ અને ટોઇલેટ બ્લોક, મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબિક્સ, બોક્સિંગ અને ફ્લોર એક્સરસાઇઝ માટેની સુવિધાઓ, તેમજ બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ માટે મલ્ટીપર્પઝ કોર્ટ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત 6 ટેબલ્સ સાથે ટેબલ ટેનિસ રૂમ, સેન્ટ્રલ AC સુવિધાવાળી લાઇબ્રેરી અને કેફેટેરિયા જેમાં 120 લોકો માટે બેઠક વ્યવસ્થા, તેમજ સ્પેક્ટેટર ગેલેરીમાં સ્વિમિંગ પુલ માટે 100 અને મલ્ટીપર્પઝ કોર્ટ માટે 176 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં બે મુખ્ય બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે—એક લાઇબ્રેરી અને કેફેટેરિયા માટે અને બીજું ઈન્ડોર સ્પોર્ટ્સ માટે—જ્યારે બેઝમેન્ટમાં 91 ટુ-વ્હીલર અને 40 ફોર-વ્હીલર માટે પાર્કિંગ તથા અદ્યતન વરસાદી પાણીની ડ્રેનેજ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.
હાલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂર્ણ થઈ ગયો છે અને ટેન્ડર પ્રક્રિયા તથા ઔપચારિક લોકાર્પણ બાદ તે જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. કૉમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ સાથે સંકળાયેલો આ પ્રોજેક્ટ ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને પણ મજબૂતી આપશે અને અમદાવાદને વિશ્વસ્તરના સ્પોર્ટ્સ સિટી તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જેના કારણે ખાસ કરીને પૂર્વ અમદાવાદના યુવાનોને રમતગમતની ઉત્તમ તકો મળશે અને શહેરનું સ્પોર્ટ્સ કલ્ચર વધુ વિકસશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel