અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ 5 જૂને આયોજિત કરવામાં આવશે,. જોકે, આ વખતે મહેમાનોની યાદી અલગ હોય શકે છે.
રામ દરબારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા
ગત વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક સમારોહમાં રામલલા (બાળક રામ)ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વખતે રામ દરબારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂને કરવામાં આવશે, અનુષ્ઠાન 3 જૂને શરૂ થશે. આ સિવાય પરિસરમાં સાત અન્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે મંદિરો માટેના ધાર્મિક સમારોહ પણ આ દિવસે જ કરવામાં આવશે.
ક્યાં થયું મૂર્તિઓનું નિર્માણ?
અનુષ્ઠાન પહેલાં એકાદશીના અવસરે રામ દરબાર અને સપ્ત મંડપમ મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. ટ્રસ્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, રામ દરબારની મૂર્તિઓ જયપુરથી અયોધ્યા પહોંચી ગઈ છે. મૂર્તિનું નિર્માણ મકરાનાના સફેદ આરસના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીરામ અને સીતા સિંહાસન પર વિરાજમાન છે. ભરત અને હનુમાનજી શ્રીરામના ચરણો પાસે બેઠા છે. વળી, લક્ષ્મણ અને શત્રઘ્ન ભગવાન રામની પાછળ ઊભા છે અને હાથપંખા વડે ભગવાનની સેવા કરતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, મૂર્તિકાર સત્ય નારાયણ પાંડેય સ્વયં આ મૂર્તિઓ લઈને અયોધ્યા પહોંચ્યા હતા.