રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં મૉરિટાનિયામાં પહોંચ્યા હતા. અહીં તેમણે મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ ઓલ્ડ ગઝૌની સાથે મુલાકાત કરી હતી. સાથે જ રાજદ્વારી તાલીમ અને વિઝામાં છૂટ સહિત ચાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન બંને નેતાઓએ સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
ભારત અને મૉરિટાનિયાએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આફ્રિકન દેશની મુલાકાત દરમિયાન રાજદ્વારી તાલીમ અને વિઝા છૂટ સહિત અનેક કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુ ગુરુવારે નુઆકશોતમાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલદ ગઝૌનીને મળ્યા હતા.
બંને નેતાઓએ તેમના સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. મુર્મૂ આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અહીં પહોંચ્યા હતા. 1960માં આઝાદી મળ્યા બાદ આફ્રિકન દેશ મૉરિટાનિયામાં ભારતીય નેતાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કર્યું હતું કે “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નુઆકશોતમાં રાષ્ટ્રપતિ ભવનમાં મૉરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલદ ગઝૌની સાથે મુલાકાત કરી હતી. બંન્ને નેતાઓએ સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. દરમિયાન રાજદ્વારીઓની તાલીમ, સાંસ્કૃતિક વિનિમય, વિઝા છૂટ અને વિદેશ કાર્યાલય પરામર્શના ક્ષેત્રોમાં ચાર એમઓયુ પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મૂ અને ગજૌનીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુર્મૂએ ગઈકાલે મૉરિટાનિયાની રાજધાનીમાં ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા હતા. યજમાન દેશનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે “હું ભારતીય સમુદાયને હંમેશા સમર્થન આપવા બદલ મૉરિટાનિયાની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કરું છું.”
રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે ભારત માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ ઇનોવેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં મૉરિટાનિયાના વિકાસમાં યોગદાન આપી શકે છે. મૉરિટાનિયામાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે જે ભારતના વિકસતા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ છે.