રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ નવા ધ્વજમાં અશોક ચક્ર, સુપ્રીમ કોર્ટની ઇમારત અને ભારતના બંધારણની નકલ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. નવો ધ્વજ વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હશે, જેમાં ક્રોસ ટેબલ ફ્લેટ, સિંગલ ટેબલ ફ્લેગ, પોલ ફ્લેગ, લાકડાની ફ્રેમનો સમાવેશ થાય છે જેથી તે વિવિધ સેટિંગ્સમાં તેની હાજરીને સુનિશ્ચિત કરે.
આ અવસર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે રાષ્ટ્રપતિનો વિશેષ આભાર વ્યક્ત કર્યો અને તેમને ખાસ ગ્રીન ગિફ્ટ આપી. આ અવસર પર, સુપ્રીમ કોર્ટની યાદગાર મુલાકાતને શ્રદ્ધાંજલિ રૂપે, તેમણે દિલ્હીના સેન્ટ્રલ રિજ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 12 વિવિધ સ્વદેશી જાતોના 75 રોપા વાવ્યા છે. સાદગી અને વિનમ્રતાનું ઝળહળતું ઉદાહરણ એવા રાષ્ટ્રપતિ પ્રત્યેના આદરનું પ્રતિક એવા સર્વોચ્ચ અદાલતના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ તમામ રોપા ભારતના રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યા છે.