પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઊમટ્યા હતા. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિ ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, ‘ઈન્ડિ ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે’.
ગુજરાતના આણંદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અહીં કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં એક નબળી સરકાર ઈચ્છે છે, જેમ કે 2014 પહેલાની સરકાર હતી, એવી સરકાર કે જેના હેઠળ મુંબઈમાં આતંકવાદી હુમલા શક્ય હતા.
રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંયોગ જુઓ, આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. મજા એ છે કે અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે. હવે પાકિસ્તાની નેતાઓ કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ પાકિસ્તાન શહજાદાને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે અને કોંગ્રેસ પાકિસ્તાનની ચાહક છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.