RBI આવતીકાલથી પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ એટલે કે પબ્લિક ટેક પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પબ્લિક ટેક પ્લેટફોર્મ દ્વારા RBI વંચિત વિસ્તારોમાં લોન આપવા અને નાણાકીય સમાવેશને વધારવા માટે કામ કરશે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે ગઈકાલે જણાવ્યું હતું કે RBI ઇનોવેશન હબ લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે એક પબ્લિક ટેક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે.
Reserve Bank of India to Launch the Pilot Project for Public Tech Platform for Frictionless Credithttps://t.co/D3x7em7q5r
— ReserveBankOfIndia (@RBI) August 14, 2023
RBI કયા પ્રકારની લોન આપશે
આ અગાઉ RBIએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન આ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર બેંકો 1.6 લાખ રૂપિયાની કિસાન ક્રેડિટ કાર્ડ લોન, દૂધ ઉત્પાદકોને લોન, MSME ઉદ્યોગોને કોઈપણ જામીન વગર લોન અને પર્સનલ લોન, હોમ લોન આપવાનું કામ કરી શકશે. આ ઉપરાંત RBI ધિરાણકર્તાઓને જરૂરી ડિજિટલ માહિતીની મદદથી કોઈપણ અવરોધ વિના લોન આપવાની સુવિધા આપવા માંગે છે. આ માટે RBI આવતીકાલે પ્રાયોગિક ધોરણે તેનું પબ્લિક ટેક્નોલોજી પ્લેટફોર્મ શરૂ કરશે. દેશની સેન્ટ્રલ બેંકને આશા છે કે આ પ્લેટફોર્મ પર ઓપન એપ્લીકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ અને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ દ્વારા એવા લોકોને લોન આપવામાં આવશે જેમની પાસે લોન લેવાની તકો નથી.
પાયલોટ પ્રોજેક્ટ આવતીકાલે લોન્ચ કરાશે
આ માટે RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ડિજિટલ પ્લેટફોર્મ ઓપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપન ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ’ અને ધોરણોથી સજ્જ હશે, જેથી નાણાકીય ક્ષેત્રના તમામ એકમો ‘પ્લગ એન્ડ પ્લે ‘ મોડલ પર કોઈપણ મુશ્કેલી વિના જોડી શકાય છે. API એ એક સોફ્ટવેર છે જે બે એપ્લિકેશનોને એકબીજા સાથે સંપર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. API એ એકમોની અંદર અને સમગ્ર ડેટા મેળવવા અને શેર કરવાની એક સુલભ રીત છે. પબ્લિક ટેક પ્લેટફોર્મ પર આધાર દ્વારા ઈલેક્ટ્રોનિક KYC, રાજ્ય સરકારોના લેન્ડ રેકોર્ડ, PANની માન્યતા, આધાર ઈ-સિગ્નેચર અને ઘર અને મિલકતની શોધનું કામ કરી શકાય છે. RBIએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન મેળવેલા અનુભવોના આધારે વધુ ઉત્પાદનો, માહિતી પ્રદાતાઓ અને ધિરાણકર્તાઓને પણ દાયરામાં લાવવામાં આવશે.