ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના ગર્ભગૃહના દરવાજાને લગાવેલ બહારનું તાળુ તથા ઇન્ટરલોક તોડી ગર્ભગૃહમાં પ્રવેશકરી રૂમમાં મુકેલ તિજોરી તોડી અંદર મુકેલ સોનાચાંદીના છત્ર, શેષનાગ, જર્મનના થાળ, સિક્કા વિગેરે મળી અંદાજીત રૂ. ૫ લાખ તથા રોકડા રૂ. ૭ લાખ મળી કુલ રૂ. ૧૨ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે મંદિરના હરીશદાસજી મહારાજે ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા તાલુકાના રઢુ ગામે સંતરામ મંદિર આવેલું છે આ મંદિરમાં હરીશદાસજી મહારાજ સેવા આપી રહ્યા છે. દરમ્યાન ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરોએ મંદિરને પોતાનું નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ રૂમમાં મુકેલ તિજોરીનું લોક તોડી અંદર મુકેલ સોના-ચાંદીના છત્ર, શેષનાગ, જર્મનના થાળ, સિક્કા વિગેરે મળી અંદાજીત રૂ.૫ લાખની મત્તા તથા રૂ. ૭ લાખ રોકડા મળી કુલ રૂ.૧૨ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ બનાવની જાણ સવારે મંદિરના મહારાજને થતાં તેઓએ ખેડા શહેર પોલીસ ઇન્સ્પેકટર કે.એચ.ચૌધરી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મંદિરના સી.સી.ટી.વી. ફુટેજ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રઢુ સંતરામ મંદિરમાં ચોરી થયાની ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરા ભક્તજનોમાં ભારે દુ:ખની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે મંદિરના મહારાજ હરીશદાસજી મહારાજની ફરિયાદના આધારે ખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંતરામ મંદિરમાં ચોરી થયાની જાણ થતાં એલસીબી પોલીસ અધિકારીઓ દોડી ગયા (બોક્સ)
રઢુ સંતરામ મંદિરમાં ચોરી થયાની ઘટના સંદર્ભે એલસીબી પી.આઇ. કે.આર.વેકરીયા પોતાના સ્ટાફના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી જઇ ટેકનીકલ સીસીટીવી ફુટેજ તથા શકમંદોની તપાસ હાથ ધરી હતી.