આજે ૫૦૦ વર્ષો પછી રામ લલ્લા અહીં પાછા ફર્યા છે. હવે રામ રાજ્ય આવી રહ્યું છે. તેથી દેશમાં બધા લોકોએ મતભેદોનો ત્યાગ કરીને એક થવું જોઈએ તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભગવાન રામના બાળ સ્વરૂપના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા પછી જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકલાએ ૧૧ દિવસનું અનુષ્ઠાન કર્યું છે. હવે આપણે તપ કરવાનું છે. આજનો કાર્યક્રમ નવા ભારતનું પ્રતીક છે, જેનું નવસર્જન થશે અને આખી દુનિયાને મદદ કરશે.
રામ મંદિર પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પછી આયોજિત જનસભાને સંબોધન કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આજે અયોધ્યામાં માત્ર રામ લલ્લાનું જ પુનરાગમન નથી થયું, પરંતુ તેમની સાથે ભારતનું ‘સ્વ’ પણ પાછું આવ્યું છે. આજે જેમના પ્રયત્નોથી આપણે આ સ્વર્ણ દિવસ જોઈ રહ્યા છીએ તેમને કોટી-કોટી નમન કરીએ છીએ. આ યુગમાં રામ લલ્લાના પાછા આવવાનો ઈતિહાસ જે કોઈ પણ સાંભળશે તેના બધા જ દુ:ખ, પીડા મટી જશે તેટલું આ ઈતિહાસમાં સામર્થ્ય છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ નવા ભારતનું પ્રતીક છે, જેનું નવસર્જન થશે અને સમગ્ર વિશ્વને મદદરૂપ થશે. આપણે હવે દેશને વિશ્વ ગુરુ બનવામાં મદદરૂપ થવા પર ધ્યાન આપવાનું છે.
પીએમ મોદીના ૧૧ દિવસના કઠોર અનુષ્ઠાનનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે, વડાપ્રધાને પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલાં કઠોર વ્રત રાખ્યું હતું. હું તેમને જૂના સમયથી ઓળખું છું અને તેઓ તપસ્વી જ છે. અયોધ્યામાં રામ લલ્લા આવી રહ્યા છે ત્યારે તેઓ અયોધ્યાથી બહાર કેમ ગયા હતા? અયોધ્યા એવા નગરનું નામ છે, જ્યાં કોઈ દ્વંદ, કોઈ ઘર્ષણ નથી. રામજી ૧૪ વર્ષ પછી પાછા આવ્યા અને ઘર્ષણ ખતમ થઈ ગયું.
તેમણે ઉમેર્યું કે, જુસ્સાની વાતોમાં સમજદારીની વાત કરવાનું કામ મને સોંપવામાં આવે છે. રામ લલ્લા તો આવી ગયા. હવે રામ રાજ્ય લાવવાની જવાબદારી રામ ભક્તોની છે. રામ રાજ્યનો ઉલ્લેખ કરતાં ભાગવતે કહ્યું કે, રામરાજ્યના સામાન્ય નાગરિકોનું જે વર્ણન છે આપણે પણ તે જ ભારત દેશના સંતાન છીએ.
આપણે હવે બધા જ ઘર્ષણનો ત્યાગ કરવો પડશે. નાના-નાના ઘર્ષણ મુદ્દે લડવાની આદત છોડવી પડશે. ધર્મના ચાર મૂલ્ય છે – સત્ય, કરુણા, સુચિતા, અનુશાસન. તેને અપનાવવા પડશે. આપણે બધા માટે કામ કરીએ તો બધા આપણા માટે કામ કરી શકે છે. પરસ્પર સમન્વય રાખીને સત્યનું આચરણ કરવાનું છે. તેમણે ઉમેર્યું કે કરુણાનો અર્થ છે બધા પ્રત્યે કરુણા, સેવા કરો. તમારે તમારી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું પડશે. બંને હાથથી કમાઓ અને પોતાના માટે જરૂર મુજબ રાખીને બાકીનું સમાજને પાછું આપો.
તમે જ્યાં પણ દુ:ખ અથવા પીડા જૂઓ ત્યાં તમારે સેવા કરવી જોઈએ. સુચિતા પર ચાલવાનો અર્થ છે સંયમથી રહીશું તો બધું બરાબર થશે અને અનુશાસન એટલે કે શિસ્તનું પાલન. પોતાના સમાજ, કુટુંબ, સમાજમાં શિસ્તથી રહેવાનું છે. લાલચ રાખ્યા વિના કામ કરવાનું છે.
ગૂગલ પર રામ નામ ટ્રેન્ડિંગ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાની સાથે જ ભારતીયોના ૫૦૦ વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. દરેક સોસાયટીઓમાં કાર્યક્રમ, ઘરે ઘરે ઉજવણી સાથે ઈન્ટનેટ પર પણ રામલલાની અસર જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગૂગલ પર રામ મંદિર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.
ગૂગલ ટ્રેન્ડ્સમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા 10 માંથી 10 વિષયો રામ મંદિરને લગતા હતાં.
- રામ, અયોધ્યા, હિંદુ મંદિર
- જનકપુર, રામ, આરતી
- રામ, ભારતીય જનતા પાર્ટી, અયોધ્યા, નરેન્દ્ર મોદી
- રામ, અયોધ્યા, રામાયણ, હિંદુ મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા
- અરુણાચલ પ્રદેશ, અયોધ્યા, હિંદુ મંદિર, રામ, ભારત, મુખ્યમંત્રી
- અયોધ્યા, કલ્યાણ સિંહ, બાબરી મસ્જિદ, રામ, ઉત્તર પ્રદેશ, મુખ્યમંત્રી, ૧૯૯૨, હિંદુ મંદિર, ભારતીય જનતા પાર્ટી, ડીજીપી
- કોંગ્રેસ, રામ, હિંદુ મંદિર, અયોધ્યા, આચાર્ય પ્રમોદ, નરેન્દ્ર મોદી, પ્રાણ પ્રતિષ્ઠા, ભારત
- રામ, અયોધ્યા, ડિગનિટી ઓફ લાઈફ
- રામ, અયોધ્યા, ડિગનિટી ઓફ લાઈફ
- શોભા કરાન્ડજે, અયોધ્યા, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી