મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડી થી નડિયાદને જોડતા ચાર માર્ગીય રસ્તા પર આજે મધરાતે ભારે વરસાદના કારણે વરસોલા પાસે 70 ફૂટની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના પરિણામે મોટો અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહે છે. આ ઉપરાંત રોડ ઉપર પણ 100 ફૂટથી વધુનું ગાબડું પડી ગયું છે.આ રોડ છેલ્લા છ વર્ષથી બની રહ્યો છે. આમછતાં,પણ આ રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી. કોન્ટ્રાક્ટરની અને રાજકીય નેતાઓની મિલીભગતના કારણે આ રોડ પર છેલ્લા ઘણા સમયથી સરપંચો દ્વારા કામ પૂર્ણ કરાવવા માટે આંદોલન કરવાની પણ ચીમકીઓ અપાઈ હતી. આમછતાં પણ કામ પૂર્ણ થયું નથી અને ચાલુ કામેજ તાજેતરમાં વરસોલા ગામ પાસે નવી બનાવેલી રોડ પરની સંરક્ષણાત્મક દીવાલ મધરાતે તુટી પડી હતી.સદનશીબે વાહન વ્યવહાર રાત્રિના સમયે ઓછો હોવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાયો નથી. પરંતુ હવે આ રોડ ઉપર ભારે વરસાદના કારણે નવા બનાવેલા આ ચાર માર્ગીય રસ્તાના કારણે ક્યા ક્યા ઠેકાણે …?? ગાબડાં પડે છે અને તેના કારણે અકસ્માત સર્જાય તો તેના માટે કોણ જવાબદાર ?? તે પ્રશ્ન સૌ વાહનચાલકોને સતાવી રહ્યો છે મહેમદાવાદ શહેરમાં અને તાલુકામાં સત્તાવાર આંકડાઓ જોઈએ તો, 35 મિલીમીટર વરસાદ ગતરાત્રે વરસ્યો હતો. સામાન્ય વરસાદમાં જ આ દિવાલ ધરાશાયી થઈ હતી. હજુ વરસાદે પોતાનું આકરૂ સ્વરૂપ બતાવ્યું નથી પરંતુ થોડા વરસાદમાં પણ જો આ પ્રકારે દિવાલ ધરાશાયી થઈ હોય તો ચોક્કસ વાત છે કે, પાયાના ઉડાણમાં કમજોરી દાખવવામાં આવી છે.જેના પરિણામે સામાન્ય પાણીના ધક્કામાં જ આ દિવાલ કડડભૂસ તૂટી પડી હતી. આ વરસોલા પાસેથી પસાર થતા ગરનાળામાં થઈને કઠલાલ અને મહેમદાવાદ તાલુકાના ખેતરોમાંથી આવતું પાણી વહન થતું હોય છે. આ પાણી આગળ જતાં મોટી નદીને મળે છે. જેના પરિણામે ગ્રામજનોના ખેતરો ધોવાતા નથી પરંતુ આ દિવાલ ધરાશાયી થઈ છે.જેના કારણે હાલમાં નડિયાદ- મહેમદાવાદ-અમદાવાદને જોડતા આ રોડ ઉપર મોટી દહેશત સર્જાઈ છે. સ્થાનિકોએ સાવચેતી માટે લીલા લાકડાં ઉભા કરીને ડાયવર્ઝન આપ્યું છે. આ બાબતે માર્ગ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરીને આ રોડનું ત્વરિત પુનઃ નિર્માણ કરવા અને સાથે સાથે આ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની સૌ પ્રજાજનોની લાગણી અને માંગણી છે.