ભારતીય રિઝર્વ બેંક – RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જોકે તે પહેલા SBIના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આરબીઆઈ ઓક્ટોબરમાં યોજાનાર બેઠકમાં પણ રેપોરેટ સ્થિર રાખી શકે છે. આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાશે. સામાન્ય રીતે આરબીઆઈ એક નાણાંકીય વર્ષમાં 6 દ્વિમાસિક બેઠકો યોજે છે, જેમાં દેશની સર્વોચ્ચ બેંક વ્યાજ દરો, નાણાંનો પ્રવાહ, ફુગાવો અને વિવિધ આર્થિક સૂચકાંકો પર નિર્ણયો લે છે.
SBIની રિસર્ચ રિપોર્ટમાં શું છે ?
એસબીઆઈની રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, સ્થાનિક સ્તરને ધ્યાને રાખી અમને આશા છે કે, રેપો રેટ 6.50 ટકા પર સ્થિત રહી શકે છે અને ફુગાવો અગાઉ કરતાં ઘટી રહ્યો હોવાના કારણે આ રેપો રેટની સ્થિતિ લાંબા સમય સુધી સ્થિર રહેવાની સંભાવના છે… આ રિપોર્ટ એસબીઆઈના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા તૈયાર કરાયો છે. રિપોર્ટમાં સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું છે કે, અમારું માનવું છે કે, નાણાંકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 5 ટકાથી ઓછો રહી શકે છે, જેના કારણે રિઝર્વ બેંક હાલ રેપો રેટ યથાવત્ રાખી શકે છે. રિપોર્ટમાં વિકાસ દર પણ મજબુત રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. ઉપરાંત તેલની કિંમતો પણ સ્થિત રહેવાની સંભાવના છે.
ગત બેઠકમાં યથાવત્ રખાયો હતો રેપો રેટ
ઉલ્લેખનિય છે કે, અગાઉ આરબીઆઈની એપ્રિલ, જુન અને ઓગસ્ટમાં યોજાયેલ બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકા યથાવત્ રખાયો હતો.
ભારતે ફુગાવાને કાબુમાં રાખ્યો : રિપોર્ટ
એસબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે કે, વધતી મોંઘવારી વિશ્વભર માટે ચિંતાનો વિષય છે, જોકે આ મામલે ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફુગાવાને કાબુમાં રાખ્યો છે. હવે મોંઘવારી દર ઘટી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ વધુ ઘટવાની આશા છે. આવી સ્થિતિમાં રેપો રેટ સ્થિર રહી શકે છે. અગાઉ મે-2022માં રિઝર્વ બેંકે મોંઘવારી પર કાબુ મેળવવા રેપો રેટમાં 250 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
રેપોરેટ એટલે શું ?
આપણે બેન્કમાંથી લોન લઈએ છીએ. તેના બદલામાં આપણે બેન્કને વ્યાજ ચૂકવીએ છીએ. એ જ રીતે બેન્કે પણ તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે. તેના માટે બેન્ક ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. બેન્ક આ લોન પર રિઝર્વ બેન્કને જે વ્યાજ ચૂકવે છે તેને રેપો રેટ કહે છે.
રેપો રેટની સામાન્ય લોકો પર અસર
બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.
રિવર્સ રેપોરેટ એટલે શું
રિવર્સ રેપો રેટ એ રેપોરેટ કરતાં વિપરિત હોય છે. બેન્કોની પાસે આખો દિવસ કામકાજ પછી અનેક વખત મોટી રકમ બાકી રહે છે. બેંક આ રકમ રિઝર્વ બેન્કમાં રાખી શકે છે, જેના પર તેમને વ્યાજ પણ મળે છે. જે દર પર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિઝર્વ બેન્કને લાગે કે બજારમાં રોકડ વધુ છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરી દે છે, જેથી બેંકો વધુ વ્યાજની કમાણી માટે તેમના નાણાં રિઝર્વ બેન્ક પાસે રાખવા પ્રોત્સાહિત થાય અને આ રીતે તેમની પાસે બજારમાં આપવા માટે નાણાં ઓછા બચે છે.