અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં પ્રકાશિત એક લેખમાં મત વ્યકત કરાયો હતો.
સંપૂર્ણ સ્તરની ટેરિફ વોરથી અમેરિકામાં ફુગાવામાં ૧થી ૧.૨૦ ટકા વધારો થવાની શકયતા છે અને વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દરમાં ૦.૬૦ ટકા ઘટાડો જોવા મળી શકે છે.
ટ્રેડ વોર અને ઊંચા ટેરિફથી વિકાસ કથળે છે ફુગાવો વધે છે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે, એમ લેખમાં નોંધવામાં આવ્યું છે.
ગયા વર્ષના નવેમ્બરથી અમેરિકન ડોલરમાં જે કંઈપણ સુધારો થયો હતો તે ૧૭મી માર્ચ ૨૦૧૭ સુધીમાં સંપૂર્ણ ધોવાઈ ગયો છે. અમેરિકામાં વેપાર અનિશ્ચિતતાની ડોલરના મૂલ્ય પર અસર પડી છે. જ્યારે ટેરિફની ચિંતા અને સેફ હેવન માગને કારણે સોનાના ભાવ વિશ્વ બજારમાં ૩૦૦૦ ડોલરથી વધુની વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે ફેબુ્રઆરીમાં ભારતીય શેરબજારો પર ભારે દબાણ જોવા મળ્યુ હતું અને રૂપિયામાં ઘસારો જોવા મળ્યો હતો.
હાલના વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતના અર્થતંત્રએ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને ફુગાવામાં તાજેતરના ઘટાડા આર્થિક રિકવરીને ટેકો આપશે એમ પણ લેખમાં વધુમાં નોંધવામાં આવ્યુ છે.