વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ દુનિયાની આજની હકીકતથી માઈલો દૂર છે. તેમાં હવે સુધારાની ખૂબ જરૂર છે. આ સંસ્થાઓ આજની દુનિયાની વાસ્તવિક્તાઓને પ્રતિબિંબિત નહીં કરે તો તે માત્ર ‘વાતચીતનો એક મંચ’ બનીને રહી જશે. આ સાથે મોદીએ આતંકવાદની વ્યાખ્યા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
જાપાનમાં જી-૭ શિખર મંત્રણાના અંતિમ દિવસે એક સત્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ધનિક લોકતાંત્રિક દેશોના સંગઠન જી-૭ અને સંયુક્ત રાષ્ટ્રની ખામીઓ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, એ બાબત વિશ્લેષણનો વિષય છે કે આપણે વિવિધ મંચો પર શાંતિ અને સ્થિરતાની વાત કેમ કરવી પડે છે? દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાના વિચાર સાથે જ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરાઈ હતી, પરંતુ આ જ સંયુક્ત રાષ્ટ્ર આજે દુનિયામાં સંઘર્ષો રોકવામાં નિષ્ફળ જઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણે હજુ સુધી સમગ્ર દુનિયામાં ફેલાયેલા આતંકવાદની વ્યાખ્યા પણ કરી શક્યા નથી. સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદની વ્યાખ્યા પણ સ્વીકાર કરી શકાઈ નથી. કોઈ આત્મમંથન કરે તો એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે પાછલી સદીમાં બનાવાયેલી સંસ્થા આજની ૨૧મી સદીની વ્યવસ્થાઓને અનુરૂપ નથી. આથી સંયુક્ત રાષ્ટ્ર જેવી મોટી સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે અલ્પ વિકસિત દેશોનો અવાજ પણ બનવું પડશે. નહીં તો આપણે માત્ર સંઘર્ષોને ખતમ કરવા અંગે વાતો કરતા જ રહી જઈશું.
જી-૭ બેઠકની સાથે વડાપ્રધાન મોદીએ રવિવારે બ્રિટનના પીએમ રિશિ સુનાક સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં બંને નેતાઆએે ‘મહત્વાકાંક્ષી’ મુક્ત વેપાર કરાર અંગેની વાટાઘાટોની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી અને આ વાટાઘાટોને આગળ વધારવા માટે સંમત થયા હતા.
દરમિયાન જાપાનમાં જી-૭ શિખર મંત્રણામાં ભાગ લીધા પછી વડાપ્રધાન મોદી રવિવારે સાંજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીમાં સૂર્યાસ્ત પછી આવતા કોઈપણ નેતાનું સત્તાવાર સ્વાગત થતું નથી ત્યારે સ્થાનિક સરકારે તેની પરંપરા તોડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પર જ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વડાપ્રધાન મોદી એરપોર્ટ પર અહીં વસેલા ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. અનેક લોકોએ વડાપ્રધાનને ભેટ-સોગાદો આપી હતી. પીએમ મોદી અહીં ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક કોર્પોરેશન (એફઆઈપીઆઈસી) સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદી ૧૪ દેશોના આ સંગઠનની બેઠકમાં ભાગ લઈ સિડની જશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો કરશે અને ભારતીય સમુદાયને સંબોધન કરશે. વધુમાં ઑસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં પીએમ મોદી પરરામત્તામાં હેરિસ પાર્ક ક્ષેત્રનું નામ બદલીને ‘લીટલ ઈન્ડિયા’ કરવાની જાહેરાત કરશે. આ વિસ્તારમાં ભારતીય સમુદાયો વ્યાપક પ્રમાણમાં રહે છે.