અમેરિકાના આરોપ બાદ હવે રશિયા પણ તેનો વળતો જવાબ આપે અને બંને દેશો વચ્ચે નવેસરથી આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર શરુ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ આરોપ લગાવતા કહ્યુ હતુ કે, અમારી પાસે એવી નક્કર જાણકારી છે કે, યુક્રેન સાથેના જંગમાં પીછેહઠ કરવા માંગતા રશિયન સૈનિકોને તેમના અધિકારીઓ જાનથીમારવાની ધમકી આપી રહ્યા છે. એટલુ જ નહીં રશિયન સૈનિકોને અપૂરતી ટ્રેનિંગ અને અપૂરતા હથિયારો સાથે જંગમાં મોકલવામાં આવી રહ્યા છે. રશિયાના સૈનિકો આ યુધ્ધ માટે પૂરતા તૈયાર નથી.
કિર્બીએ કહ્યુ હતુ કે, રશિયાની સેના પાસે નેતૃત્વનો અને સંસાધનનો તેમજ સમર્થનનો પણ અભાવ છે. રશિયાને પોતાના સૈનિકોના જીવની જરા પણ પડી નથી. પીછેહઠ કરનારા સૈનિકોની હત્યા કરવામાં આવે છે અથવા ફાંસી આપવામાં આવે છે.
તેમણે કહ્યુ હતુ કે, રશિયન સૈનિકોમાં અસંતોષ છતા પણ યુક્રેન પર કબ્જો કરવાની મહત્વાકાંક્ષા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છોડી શકતા નથી. જેના કારણે રશિયા એક પછી એક હુમલા કરી રહ્યુ છે.