ગુવાહાટી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે વિકલાંગ બાળકને તેના પિતા સાથે રહેવાનો કાયદાકીય અધિકાર છે. બાળકના આ કાયદાકીય અધિકારને કારણે, તેના સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા પિતાને સર્વિસની શરતોના આધારે અન્ય જગ્યાએ બદલી શકાશે નહીં કારણ કે આમ કરવાથી બાળકને નવી જગ્યાએ સેટ થવામાં તકલીફ પડી શકે છે.
પિતાની બદલીથી બાળકને થઇ શકે છે અસર
જસ્ટિસ અચિંત્ય મલ્લ બુજોર બરુઆએ ખાસ વિકલાંગ બાળકના પિતાની બદલી બાબતે ચિંતા દર્શાવતી અરજી પર ખાસ ટીપ્પણી કરી છે. જેમાં તેમને માધ્યમિક શિક્ષણ નિયામકને આ દૃષ્ટિકોણથી વિકલાંગ બાળકના પિતાના મેમોરેન્ડમ પર વિચાર કરવા અને 15 દિવસની અંદર યોગ્ય આદેશ આપવા નિર્દેશ આપ્યો.
સરકારી કર્મચારી પાસે પોતાની પોસ્ટીંગ બાબતે કાનૂની અધિકાર નથી
કોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીને તેની પસંદગીની પોસ્ટિંગ મેળવવાનો કાયદેસર કોઈ અધિકાર નથી પરંતુ વિકલાંગ બાળકનો પિતા સાથે રહેવાનો કાનૂની અધિકાર છે. કોર્ટે કહ્યું કે બાળકના આ અધિકારને કેન્દ્ર સરકાર દ્વારા 6 જૂન, 2014 ના રોજના તેના ઓફિસ મેમોરેન્ડમ દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે ખાસ વિકલાંગ બાળકની સંભાળ રાખતા સરકારી કર્મચારીની બદલી બાળકના જીવનને અસર કરી શકે છે. આ મેમોરેન્ડમ આસામ સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.