રશિયાના વીતેલા વર્ષના સમ્રાટ પીટર ધ ગ્રેટના સમયની રાજધાની સેન્ટ પીટર્સબર્ગમાં પત્રકારોને કરેલા સંબોધનમાં રશિયાના પ્રમુખ પુતિને કહ્યું હતું કે, પશ્ચિમ તેવો આક્ષેપ કરી રહ્યું છે કે રશિયા વારંવાર પરમાણુ શસ્ત્રો વાપરવાની વાત કરી રહ્યું છે, પરંતુ તે તદ્દન ખોટું છે.
પત્રકારોએ પ્રમુખ પુતિનને સ્પષ્ટત: પૂછયું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં પરમાણુ બોંબ વાપરશે ? તેના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે તે તદ્દન ખોટી વાત છે. જો અમારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામે ખતરો ઉભો થશે અને તે જોખમાશે તો જ અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.
તેઓએ અમેરિકા પર સીધો જ આરોપ મુકતાં કહ્યું હતું કે, સૌથી પહેલા તો જાપાન ઉપર પરમાણુ શસ્ત્રો દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયે વાપર્યા હતા.
તેઓએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોઈ પણ કારણસર પશ્ચિમ માને છે કે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં જ કરે કારણ કે અમે પરમાણુ સંધિથી બંધાયેલા છે. પરંતુ જો અમારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામે ભય ઉભો થશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં અચકાઈશું નહીં.