જેમાં પ્રભુ શ્રીરામના જીવન પ્રસંગોની રંગોળી, પોસ્ટર મેકીંગ, રામચરિત માનસ ગ્રંથની ચોપાઈ ગાન,કવિ સંમેલન,શ્રીરામ રથયાત્રા,શ્રી રામના જીવનના પ્રસંગોનું નાટ્ય કરણ વગેરે કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીના સમગ્ર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને તેમજ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભાવાવરણ રચાય તેવો છે. આ કાર્યક્રમોના શુભારંભે,તા. ૧૮.૧.૨૦૨૪, ગુરુવારના રોજ ભાઈકાકા લાયબ્રેરીમાં શ્રી રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભે, સરદાર પટેલ યુનિવર્સિટીના કા.કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ ઐતિહાસિક પ્રસંગે સૌને આવકારી પ્રસંગોચિત ઉદ્બોધનમાં સૌને ઉત્સાહપૂર્વક સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થવા આવાહન કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઈપ્કોવાલા ફાઈનઆર્ટસ કૉલેજના આચાર્ય ડૉ.ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઉજવાય રહેલા શ્રી રામોત્સવ પ્રસંગની સરાહના કરેલી. રામાયણના મુખ્ય પાત્રો શ્રી રામ એટલે આપણા સહુનો આત્મા, સીતામાતા એટલે મન, લક્ષ્મણ એટલે જાગૃતિ અને રાવણ એટલે અહંકાર. આમાંથી શીખ લઈને વિદ્યાર્થીઓને જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને સ્પર્ધકોને બિરદાવી, પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય રંગોળી સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિભાગો અને સંલગ્ન કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 42 ટીમ અને 118 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાજેશ્વરીબહેન બારોટ તથા દીપક ભટ્ટે સેવા બજાવી હતી. વિજેતા ટીમોને પુરસ્કાર તથા સર્વે પ્રતિભાગીને વાલ્મીકિ રામાયણ પુસ્તક અને પ્રમાણપત્ર તા.૨૨ /૧/૨૦૨૪ ના રોજ મહાઆરતીના પ્રસંગે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સ્પર્ધાના સંયોજક તરીકે હિન્દી વિભાગના અધ્યાપિકા ડૉ.અનિલા મિશ્રા તેમ જ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ.સુધા ચૌહાણે જહેમત ઉઠાવી હતી. સમગ્ર રામોત્સવ કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ.ઋતા પરમાર અને ડૉ. નીપા ભરૂચા સક્રિય સહયોગ કરી રહ્યા છે.