નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગરમીના વધી રહેલાં પ્રકોપને કારણે બપોરના સમયે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ દેખાય રહ્યો છે, તાલુકા મથક હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ બપોરે માર્ગ સૂમસામ ભાસી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં લોકો આકરા તાપથી હેરાન પરેશાન થયા છે ત્યારે બીજી તરફ ઘણા વિસ્તારોમાં બપોરના સમયે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે, અને ગરમીના કારણે નાના બાળકોને ડાયરિયા અને ઉલટીના કેસોમાં વધારો થયો છે. આ સાથે નોકરીયાત વર્ગ અને ધંધાર્થીઓ ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવારમાં જોઈએ તો, જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો, શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો, લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા, જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)