જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. જ્યારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે ડિવિઝનલ કમિટીના સદસ્ય સહિત 8 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં તેલંગણાની ગ્રીન ફાયટર ટીમના 5 જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ એન્કાઉન્ટર તેલંગણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની બોર્ડરના સંગમ પર સ્થિત કરીગુટ્ટા પહાડી વિસ્તારમાં થયું હતું. આ ઓપરેશનમાં સુકમા પોલીસ અને અન્ય સુરક્ષાદળો પણ સામેલ હતા. ગુપ્ત માહિતી મળતાની સાથે સુરક્ષાદળો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કરીગુટ્ટા પહાડી ક્ષેત્ર નક્સલીઓનું ઠેકાણું છે, ત્યારે નક્સલીઓની ગતિવિધિઓની રોકવા અને આતંકીઓ ઠાર કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.
5 જવાનો શહીદ
સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ભારે ગોળીબાર થઈ હતી, જેમાં સુરક્ષાદળોએ નક્સલીઓના ઘરનો ઘેરાવો કરી લીધો હતો. આ ઓપરેશનમાં નક્સલીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે આ એન્કાઉન્ટરમાં તેલંગણાની ગ્રીન ફાયટર ટીમના 5 જવાનો શહીદ થયા હતા. સુકમા પોલીસે જણાવ્યું હતું કે, હાલના ધોરણે આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિ જાળવવામાં આવી છે.
22થી વધુ નક્સલીઓને ઠાર
જ્યારે 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના કરીગુટ્ટા હિલ્સના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં ગત 21 એપ્રિલથી ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ અત્યારસુધીમાં 22થી વધુ નક્સલીઓને ઠાર માર્યા હતા, ત્યારે નક્સલવાદીઓ સામેનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે.
આ ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને કોબ્રા યુનિટના જવાનો સહિત લગભગ 24000 સુરક્ષાકર્મીઓ સામેલ છે. એન્કાઉન્ટર દરમિયાન ડ્રોનની મદદથી નક્સલીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી.