અમેરિકામાં ભણવું, ત્યાં કામ કરવું અને જો શક્ય હોય તો ત્યાં કાયદેસર રીતે સેટલ થવું તે હજારો-લાખો ભારતીયોનું સપનું હોય છે. ભારતીયો માટે અમેરિકા સારી જોબ અને કમાણીની તકની દૃષ્ટિએ ટોપના દેશોમાં ગણાય છે. આ માટે ઘણા લોકો સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જાય છે અને ત્યાં સેટલ થવાના સપના જુએ છે.
જો કે હવે એવું લાગી રહ્યું છે કે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા ભારતીયોને ત્યાં સેટલ થવા માટેના રસ્તા ખુલી ગયા છે. ભારતીય-અમેરિકન સાંસદ શ્રી થાનેદારે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને લગતું એક બિલ રજૂ કર્યું છે અને આ બિલ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ અમેરિકામાં રહેવા માટે પ્રોત્સાહિત કરે એ માટેનું છે.
ટૂંકમાં આ બિલ દ્વારા H-1B વિઝાની ઉપલબ્ધતા વધારવાની માંગ કરવામાં આવી છે. આ H-1B વિઝા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ દ્વારા સૌથી વધુ માંગવામાં આવતા વિઝા છે અને જો આ બિલ પાસ થઈ ગયું તો સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે.
ડેમોક્રેટ નેતા થાનેદારે આ બિલના મહત્વ વિશે સમજાવવા માટે તેમના અંગત અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં જન્મેલા શ્રી થાનેદારે (એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું અમારા તેજસ્વી વિદ્યાર્થીઓને દેશમાં રાખવાનું મહત્વ સમજું છું.’
શ્રી થાનેદાર દ્વારા રજૂ કરાયેલા બિલમાં એવી માંગ કરવામાં આવી છે કે, ‘Keep STEM ગ્રેજ્યુએટ્સ ઇન અમેરિકા એક્ટ એ H-1B વિઝા પ્રક્રિયામાં સુધારો કરવાનો પ્રયાસ છે અને દર વર્ષે ઉપલબ્ધ વિઝાની સંખ્યામાં વધારો કરવા માંગે છે. ‘ એટલે કે આ રજૂ કરાયેલા બિલ H-1B વિઝાની ઉપલબ્ધતામાં વધારો કરશે તેમજ તેને મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે.