શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (જયપુર ફૂટ સેન્ટર, અમદાવાદ) અને શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજના સંયુક્ત ઉપક્રમે અત્રેના શારદા સંકુલ ખાતે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાયો હતો. જેનું દીપ પ્રાગટ્ય કરી ઉદૃધાટન અતિથિ વિશેષ પદે ઉપસ્થિતન્યુ રોયલ ફાર્મા પ્રા.લિ.- મુંબઈના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ ગાંધીએ તેમના ધર્મપત્ની લીનાબેન ગાંધી, કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળના પૂર્વ પ્રમુખ નિલેશ આર. દેસાઈ, નેકશસ ગ્રુપના ચેરમેન શૈલેષભાઈ આઈ.પટવારી, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના કુલપતિ ડો નિરંજન પી. પટેલ, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના ચેરમેન ગૌતમ જૈન,વાઇસ ચેરમેન લલિત જૈન, મંત્રી ડો. હરીશ કુંડલીયા, સમાજસેવી સુનિલ દેસાઈની ઉપસ્થિતિમાં કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેન્દ્રભાઈ ગાંધીએ વિકલાંગોના પુનર્વસન માટે પોતાના પિતાશ્રીએ સ્થાપેલ સંસ્થાની અવિરત કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ડો.હરીશ કુંડલીયા, તેમની ટીમ તથા શ્રી મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની પ્રશંસા કરી હતી.
શૈલેષભાઈ પટવારીએ સદવિચાર સમિતિ દ્વારા અમદાવાદ ખાતે વિકલાંગોને ધોરણ 1 થી 12 નિઃશુલ્ક,રહેવા,જમવા,શિક્ષણની વ્યવસ્થા ઉપરાંત આઈટીઆઈ દ્વારા તેઓને પગભર કરવા માટેના કોર્સ ચાલી રહ્યાની માહિતી આપી કપડવંજના દિવ્યાંગોને પણ તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલે વિકલાંગોને આત્મનિર્ભર બનાવવા તથા તેઓને ગૌરવ અપાવવા માટે આવી સંસ્થાઓ આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું.
વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી ડો. હરીશ કુંડલીયાએ સંસ્થાની માહિતી આપવા સાથે દિવ્યાંગોને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. ગૌતમભાઈ જૈને શ્રી મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની માહિતી આપી હતી.
આ કેમ્પમાં 156 ટ્રાઈસિકલ, 6 જયપુર ફૂટ અને 2 બગલ ઘોડી સાથે કુલ ૧૫ લાખ રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.જયપુર ફૂટ બનાવતી વાન દ્વારા ૬ લાભાર્થીઓને સ્થળ પર જ પગનું માપ લઈને જયપુર ફૂટ બનાવી ચાલતા કરવામાં આવતાં લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ભાવવિભોર બની ગયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ દ્વારા આ 151 મો અને કપડવંજમાં આ સાતમો કેમ્પ હતો. જેમાં 30,000 થી વધુ લાભાર્થીઓને જયપુર ફૂટ,બગલ ઘોડી, કેલીપર્સ અને હિયરિંગ, વ્હીલ ચેર,ટ્રાઇસિકલ જેવા સાધનો ઊંચનીચ કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉપરોક્ત બંને સંસ્થાના નિષ્ઠાવાન, સેવાભાવી સ્ટાફનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ડો. હરીશ કુંડલીયા તથા સુનિલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ વીએસજીના સીઈઓ ભરત મકવાણા, મહેશભાઈ વણકર સહિત સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બીએમવીએસએસના પ્રતિનિધિ ધર્મેશ પરીખે, પ્રાર્થના પારસ ભટ્ટે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં ડો. જવનિકા શેઠે કર્યું હતું.