રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નહીં. એટલા માટે આપણે તેના જૂના નામનો જ બોલચાલની ભાષામાં ઉપયોગ કરવો જોઈએ.
તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે
તેઓ જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે. ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, ‘આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને તેના બદલે ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન લાવી શકાશે. આપણે આપણા દેશને ભારત કહેવું પડશે અને બીજાને પણ આ સમજાવવું પડશે.
ગઈકાલે હિંદૂ રાષ્ટ્ર પર આપ્યું હતું નિવેદન
ગઈકાલે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુસ્તાન એક હિંદૂ રાષ્ટ્ર છે તે જ એક સત્ય છે. વૈચારિક રુપે બધા ભારતીય હિંદૂ છે તેમજ હિંદૂનો મતલબ બધા ભારતીય છે.