ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટ્રેન પર મોડીરાત્રે 10:45 વાગ્યે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પથ્થરમારાની ઘટના નંદુરબાર પાસે બની હતી.
ગઈકાલે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેનને પ્લેગઓફ આવ્યું હતું. પરંતું આ ટ્રેનને આગળ જતા મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેન જેવી અયોધ્યા તરફ જવા રવાના થઈ અને નંદુરબાર પહોંચી તો રાતે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ડરના માર્યે ટ્રેનના દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાં ડઝનેક પથ્થરો ટ્રેનની અંદર આવી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.
ટ્રેનમાં બેઠેલાં સુરતનાં યાત્રીનાં મુખે આખો ઘટનાક્રમ
ટ્રેનમાં બેઠેલા સુરત બજરંગ દળના સુરતના સંયોજક અજય શર્માએ જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરોનો ટ્રેન સાથે જોર-જોરથી અથડાવવાનો અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. ટ્રેનના પાટાઓ પાસે જે પથ્થરો હોય છે એ જ પથ્થરો H 7, H 10 અને H 15 કોચ ઉપર ફેકવામાં આવ્યા હતા.
બે જેટલાં મુસાફરોની ફરિયાદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. ટ્રેનને પોણો કલાક સુધી નંદુરબાર સ્ટેશને ઊભી રાખવી પડી હતી. આ મામલે નોંધનીય છે કે, જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખળખોરોની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે.
મોડી રાત્રે નંદુરબાર નજીક પથ્થરમારો થયો
ગઈકાલે જ અયોધ્યા જવા માટે સુરતથી શરૂ થયેલી આસ્થા ટ્રેન સાંજે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી. આ દરમિયાન રાત્રિના 10.45ની આસપાસ આસ્થા ટ્રેન નંદુરબાર નજીક પહોંચતા કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નહતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તમામ પાસાંઓની તપાસ કરી રહી છે.
ચારેય બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા
મુસાફરોના જણાવ્યા અનુસાર ચારેય બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા અને પોતાનો બચાવ કરવા લાગ્યા. મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દીધા હતા. આમ છતાં કોચની અંદર અનેક પથ્થરો આવી ગયા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઇ નથી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરી હતી.