વડાપ્રધાન રિશી સુનકે બ્રિટનમાં ૪ જુલાઇના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેમણે અગ્રણી મંત્રીઓ સાથેની બેઠક પછી મહત્વનો નિર્ણય લીધો હતો. સુનકે જણાવ્યું હતું કે, “બ્રિટન પાસે તેનું ભાવિ નક્કી કરવાની આ તક છે. સુનકે કોવિડ મહામારી વખતે બિઝનેસને મદદરૂપ થનારા પગલાં સહિત તેમની સરકારના મહત્વના પગલાંની માહિતી આપી હતી. અગાઉ બીબીસી, સ્કાય ન્યૂઝ સહિતની ન્યૂઝ ચેનલ્સે બુધવારે સુનક દ્વારા ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા દર્શાવી હતી. વિદેશ મંત્રી ડેવિડ કેમરોનને આલ્બેનિયાનો પ્રવાસ પડતો મૂકી બોલાવાયા તેમજ સંરક્ષણ મંત્રી ગ્રાન્ટ શેપ્સે પૂર્વ યુરોપની સફર મોકૂફ રાખી ત્યારે ચૂંટણીની જાહેરાત અંગેની અટકળોને વેગ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજવી જરૂરી છે અને વડાપ્રધાન સુનકે અગાઉ વારંવાર ૨૦૨૪ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. ચૂંટણીની જાહેરાતના થોડા સમય પહેલાં બુધવારે એક પ્રશ્નના જવાબમાં સુનકે જણાવ્યું હતું કે, “વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સામાન્ય ચૂંટણી યોજાશે.”