ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ સુધી નાસામાં સેવા આપ્યા બાદ તેમણે ડિસેમ્બર 2025ના અંતમાં નિવૃત્તિ લીધી હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને આ જાહેરાત કરતાં સુનિતા વિલિયમ્સને “અંતરીક્ષ વિજ્ઞાનની પથદર્શક” ગણાવી અને કહ્યું કે તેમના યોગદાનથી ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે મજબૂત પાયો તૈયાર થયો છે. નિવૃત્તિ સમયે ભાવુક બનેલી સુનિતાએ જણાવ્યું હતું કે અંતરીક્ષ તેમનું મનપસંદ સ્થાન રહ્યું છે અને નાસામાં તેમની સફર અદભૂત રહી છે. તેમણે કહ્યું કે સ્પેસ સ્ટેશન પર થયેલું વિજ્ઞાન ભવિષ્યના માનવ મિશનને નવી દિશા આપશે અને હવે નાસા ઇતિહાસ રચતું જોવા તેઓ આતુર છે.
.@NASA astronaut Suni Williams retires after 27 years, effective Dec. 27, 2025. Williams completed three missions aboard the International Space Station, setting numerous human spaceflight records. More… https://t.co/xrxErQKntr pic.twitter.com/CnRS693KSV
— International Space Station (@Space_Station) January 21, 2026
60 વર્ષીય સુનિતા વિલિયમ્સના નામે અંતરીક્ષમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે. તેમણે કુલ 608 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા છે, જે નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવાયેલો બીજો સૌથી લાંબો સમય છે. એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારા અમેરિકનોમાં તેઓ છઠ્ઠા ક્રમે આવે છે અને આ રેકોર્ડમાં તેઓ એસ્ટ્રોનોટ બુચ વિલમોરની બરાબરી પર છે. બંનેએ મળીને બોઇંગ સ્ટારલાઈનર અને સ્પેસએક્સના ક્રૂ-9 મિશન દરમિયાન સતત 286 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા. સુનિતા વિલિયમ્સે કુલ 9 વખત સ્પેસવોક કરી છે, જે 62 કલાક અને 6 મિનિટ જેટલો સમય થાય છે અને કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલો આ સૌથી લાંબો સ્પેસવોક રેકોર્ડ છે. એટલું જ નહીં, તેઓ અંતરીક્ષમાં રહીને મેરેથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ પણ બન્યા હતા.
તેમનું છેલ્લું મિશન પણ ખાસ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઇંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ મિશન માટે અવકાશમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે આ મિશન અપેક્ષિત સમય કરતાં ઘણું લાંબું ચાલ્યું અને લગભગ 9 મહિના સુધી ખેંચાયું. આખરે માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સના ક્રૂ-9 મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા હતા.
સુનિતા વિલિયમ્સનો ભારત સાથેનો સંબંધ હંમેશા અતૂટ રહ્યો છે. તેમના પિતા દીપક પંડ્યા એક જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા, જેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં થયો હતો. બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા અને ત્યાં સ્લોવેનિયન મૂળની બોની પંડ્યા સાથે લગ્ન કર્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો હોવા છતાં તેમણે હંમેશા પોતાના ભારતીય મૂળ પર ગર્વ અનુભવ્યો છે. ભારતની મુલાકાતને તેઓ “વતન પરત ફરવા” જેવી ગણાવતા હતા. સુનિતાએ ઘણી વખત કહ્યું છે કે અવકાશમાંથી પૃથ્વીને જોતા માનવ વચ્ચેના ભેદ નાનાં લાગે છે અને એવું અનુભવાય છે કે આખી માનવજાત એક જ પરિવાર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel