સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિકા વચ્ચેની ટક્કર વચ્ચે આજે સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું હતું. સુપ્રીમે કેન્દ્રને ટકોર કરતા કહ્યું હતું કે, હજુ સુધી હાઈકોર્ટની ભલામણો કોલેજિયમને કેમ મોકલી નથી. નામો ક્લીયર કરવામાં કેન્દ્ર દ્વારા વિલંબનો આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી કરતા જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું કે, તેઓ આ મામલે નાનામાં નાની તપાસ પર ધ્યાન આપશે.
તમારો દૃષ્ટિકોણ જણાવો જેથી કોલેજિયમ માટે નિર્ણય લઈ શકાય : સુપ્રીમ
એક અહેવાલ મુજબ, જસ્ટિસ કૌલે કેન્દ્રને કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, હાઈકોર્ટમાં 80 નામ 10 મહિનાથી પેન્ડિંગ છે. માત્ર એક મૂળભૂત પ્રક્રિયા કરવાની છે. તમારો દૃષ્ટિકોણ જાણવાની જરૂર છે જેથી કરીને કોલેજિયમ નિર્ણય લઇ શકાય. બેન્ચે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 26 જજોની બદલી અને હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂક બાકી છે.
સુપ્રીમની કેન્દ્રને બરોબરની ટકોર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે કહ્યું કે, મારી પાસે કેટલા નામો પેન્ડિંગ છે. હાઈકોર્ટ દ્વારા આની ભલામણ કરવામાં આવી છે પરંતુ કૉલેજિયમને આ અંગે સૂચનાઓ મળી નથી. એટર્ની જનરલ આર. વેંકટરામણીએ જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. બેન્ચે તેમને બે અઠવાડિયાનો સમય આપ્યો અને તેમને આ મુદ્દે કેન્દ્રની દલીલો સાથે આવવા કહ્યું. હવે આ કેસની સુનાવણી 9 ઓક્ટોબરે થશે.
જસ્ટિસ કૌલે કેન્દ્રને આડે હાથ લીધી
આ સુનવણીમાં કેન્દ્ર પર કડક વલણ દાખવતા જસ્ટિસ કૌલે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કહેવા માટે ઘણું છે, પરંતુ હું જાતને સંયમિત કરી રહ્યો છું. હું ચૂપ છો કારણ કે એટર્ની જનરલે આ અંગે જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે, પરંતુ હું આગામી તારીખે ચૂપ રહીશ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટ અને એક્ઝિક્યુટિવ વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો છે. કેન્દ્રીય મંત્રીઓની દલીલ છે કે, ન્યાયાધીશોની પસંદગીમાં સરકારની ભૂમિકા હોવી જોઈએ.