જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ આજે સવારે સાત વાગ્યાથી ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી ASIની ટીમ આધુનિક મશીનો સાથે આવી પહોંચી છે. આ અગાઉ હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે અહીં જણાવ્યું હતું કે ASI ટીમ આજે જ્ઞાનવાપી કેમ્પસમાં વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે શરૂ કરશે.
#WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023
વિવાદિત ભાગ સિવાય સર્વેને મંજૂરી
હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત કરી છે, જ્યારે અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને ટાંકીને સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે. આ સાથે જ કહ્યું કે તે આજે સર્વેમાં ભાગ નહીં લે અને તેનો બહિષ્કાર કરશે. બીજી તરફ જ્ઞાનવાપી કેમ્પસના સર્વેને લઈને જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે 21 જુલાઈએ આદેશ આપ્યો હતો કે ASIએ જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત વજુખાના સિવાયના બાકીના ભાગોની વૈજ્ઞાનિક તપાસ કરવી જોઈએ તેમજ 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ બનાવો અને જણાવો કે મંદિર તોડીને તેની ઉપર મસ્જિદ બનાવવામાં આવી છે કે કેમ. કોર્ટે વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસના ASI સર્વેને મંજૂરી આપી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો
આ અગાઉ સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર મળી આવેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન-ડેટિંગને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી. આ બાબતે એક પક્ષ કહે છે કે તે શિવલિંગ છે અને બીજી બાજુ કહે છે કે તે ફુવારો છે. હવે આ પરીસરના સર્વેથી ખબર પડશે કે મસ્જિદ કેટલી જૂની છે અને હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવામાં કેટલી સત્યતા છે. કોર્ટ કમિશનર અજય મિશ્રાએ 6-7 મેના રોજ જ્ઞાનવાપી પરીસસનો સર્વે કર્યો હતો. આ સર્વેના અહેવાલ અનુસાર, એવું કહેવાય છે કે પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવો આકાર જોવા મળ્યો હતો.