દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સ્વયંભુ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સ્થાનિકોની માન્યતા પ્રમાણે આ મંદિર મોગલ શાસન પહેલાથી આ સ્થળે આવેલું છે. મહાદેવજીના આ મંદિરની એક વિશેષતા છે કે આ પ્રથમ મંદિર છે કે જ્યાં મહાદેવની પાછળ પાર્વતીજી નહિ પણ શિવજીનો અંશ હનુમાનજી બિરાજે છે.
આ મંદિરમાં બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવને મરાઠાના ઇસ્ટ પણ કહેવામાં આવે છે. એક સમયે આ વિસ્તારમાં મરાઠા વસવાટ કરતા હતા અને તે લોકો નિયમિત કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરતા હતા. મોગલો જયારે ભારતીય સંસ્કૃતિને ધ્વસ્ત કરવા નીકળ્યા ત્યારે આ મંદિરને બચાવવા માટે લોકોએ તેને મકાનમાં છુપાવી દીધુ હતું. અને વર્ષો પછી ૧૯૪૩માં આ સ્થળે એક મહિલાને શિવલિંગ મળ્યુ હતુ.
શિવલિંગ મળી આવ્યુ એટલે ત્યાં જ મહાદેવનું શિવાલય બનાવવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ મદિરમાં મરાઠા સમાજના લોકોને ગાઢ આત્મીયતા છે. આ વિસ્તારના મરાઠા સમાજના લોકો નિત્ય અહીં દર્શન માટે આવે છે. અને તેમની દરેક મનોકામના કાશી વિશ્વનાથ મહાદેવ પૂર્ણ કરે છે. કાશી જઈને દર્શન કર્યાનો જે સંતોષ અને આનંદ ભક્તો થાય છે તેવો જ સંતોષ અને આનંદ ભાવિકો અહિં દર્શન કરીને કરે છે.
કાશી વિશ્વનાથ મહાદેવ મરાઠાના પરિવારોના પંચનું મંદિર છે. આઝાદી પહેલા મરાઠા સમાજના લોકો પોતાની સમસ્યાના નિરાકરણ માટે મહાદેવ સમક્ષ આવતા હતા. મંદિરે આવતા ભક્તોમાં શ્રદ્ધા છે કે તેમના જીવનની દરેક સમસ્યાનો મહાદેવજી આશીર્વાદથી હલ થઈ જાય છે. વર્ષોથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને રોજ નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે.