ચરોતરની સૌથી સમૃદ્ધ નડિયાદ ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બૅંક (કે. ડી. સી.સી. બૅંક)ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેની યોજાયેલી ચુંટણીમાં ચેરમેન પદે તેજસ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમાર સર્વાનુમતે બીજીવાર બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ પ્રસંગે બૅંકના બોર્ડના કુલ 22 ડિરેક્ટરો તથા સહકારીક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહીને બીજીવાર બિનહરિફ ચૂંટાયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન આપ્યા હતા.
ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન નડિયાદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંકના બીજા ટર્મ માટે નડિયાદ મિશન રોડ કેડીસીસી બૅંક હેડ ઓફિસના સભાખંડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી બુધવારે સવારે 11 કલાકે નાયબ કલેક્ટર કે.એસ.સુવેરાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ ચુંટણી પ્રસંગે યોજાયેલી બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઇએ બૅંકના ચેરમેન પદે તેજસ પટેલ અને વાઈસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર માટે ભાજપનું મેન્ડેટ રજુ કર્યું હતું. જેને સૌ બૅંકના ડિરેક્ટરો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
આ ચુંટણીમાં ચેરમેન ઉમેદવારી પત્ર ભરવાના સમયમર્યાદામાં એક જ ઉમેદવાર તેજસ બીપીનચંદ્ર પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારે નોંધાવી હતી. અન્ય કોઈ ડિરેક્ટરે ઉમેદવારી નોંધાવી ન હતી.જેથી નાયબ કલેક્ટરે સહકારી બૅંકના ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારને સર્વાનુમતે બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરાયાની સાથે જ સહકારીક્ષેત્રમાં ખુશાલી વ્યાપી ગઈ હતી. તેજસ પટેલ પીપળાવના વતની છે.તેઓ અન્ય સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર છે.
આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, જેઠાભાઇ આહિર, ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ ભ્રહ્મભટ્ટ, બૅંકના સીઈઓ તેમજ ખેડા, આણંદ અને મહિસાગર જીલ્લાના ધારાસભ્યો સહિત સહકારક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહીને બિનહરિફ ચૂંટાયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન આપ્યા હતા.