તેલંગાણામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયા દરમિયાન એન્યુમરેશન ફોર્મ માત્ર તેલુગુ ભાષામાં આપવાના નિર્ણય સામે દાખલ અરજી પર તેલંગાણા હાઇકોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. જોકે કોર્ટે ચૂંટણી પંચને સૂચન કર્યું છે કે જ્યાં કોઈ મતવિસ્તારમાં ઉર્દૂ ભાષા જાણતા મતદારોની સંખ્યા 20 ટકાથી વધુ હોય, ત્યાં મતદારોની માંગ મુજબ ઉર્દૂમાં પણ ફોર્મ ઉપલબ્ધ કરાવવા અંગે વિચાર કરવો જોઈએ.
આ અરજી કરીમનગરના વકીલ એમ.એ. મુજીબ અયુબ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે રાજ્યમાં 25 જૂનથી 24 જુલાઈ 2026 દરમિયાન ચાલી રહેલી SIR પ્રક્રિયામાં ફોર્મ માત્ર તેલુગુ ભાષામાં આપવાથી તેલુગુ ન જાણતા મતદારોને મુશ્કેલી પડી શકે છે. અરજદારે ચૂંટણી પંચ અને તેલંગાણા મુખ્ય ચૂંટણી અધિકારીને રાજ્યભરમાં તેલુગુ સાથે અંગ્રેજીમાં પણ ફોર્મ ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવા માંગ કરી હતી.
અરજદાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે હૈદરાબાદ સિવાય પણ તેલંગાણાના અનેક વિસ્તારોમાં એવા મતદારો છે, જેમને તેલુગુ ભાષા વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી પડે છે. વકીલે દલીલ કરી કે માત્ર તેલુગુમાં ફોર્મ આપવાથી ખાસ કરીને ઉર્દૂ ભાષી મતદારોને અસુવિધા થાય છે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાન ભાગીદારી પર અસર પડી શકે છે.
બીજી તરફ, ચૂંટણી પંચે કોર્ટમાં જણાવ્યું કે તેલંગાણા રાજ્યની પ્રથમ સત્તાવાર ભાષા તેલુગુ હોવાથી ફોર્મ તેલુગુમાં છાપવામાં આવ્યા છે. પંચે વધુમાં કહ્યું કે ગ્રેટર હૈદરાબાદ વિસ્તારમાં અંગ્રેજી ફોર્મ પણ ઉપલબ્ધ છે, જ્યારે દરેક ભાષામાં ફોર્મ છાપવું સંસ્થાકીય અને આર્થિક રીતે પડકારરૂપ બની શકે છે. અગાઉના અહેવાલ મુજબ, અંગ્રેજી અને ઉર્દૂ ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ હોવાની પણ ચૂંટણી પંચ તરફથી રજૂઆત કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે ઉર્દૂ ભાષી મતદારોને મદદરૂપ થવા માટે બૂથ લેવલ અધિકારીઓ એટલે કે BLO પાસે ઉર્દૂના ડમી ફોર્મ રાખવાની વ્યવસ્થા હોવાનું પણ જણાવ્યું. આ ડમી ફોર્મના આધારે મતદારોને જરૂરી માહિતી સમજાવી શકાય અને તેલુગુના મૂળ ફોર્મમાં યોગ્ય વિગતો ભરવામાં મદદ મળી શકે તેવો પંચનો અભિગમ છે.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે તાત્કાલિક કોઈ અંતિમ આદેશ આપ્યો નથી. કોર્ટે ચૂંટણી પંચને સૂચન કર્યું કે જ્યાં ઉર્દૂ જાણતા મતદારોની સંખ્યા 20 ટકાથી વધુ હોય તેવા મતવિસ્તારોમાં ઉર્દૂ ભાષામાં એન્યુમરેશન ફોર્મ આપવાની શક્યતા પર વિચાર કરવો જોઈએ અને આગામી સુનાવણીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
સુનાવણી દરમિયાન કોર્ટે ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ જેવા અન્ય રાજ્યોમાં SIR અથવા મતદાર યાદી સંબંધિત ફોર્મ કઈ ભાષામાં આપવામાં આવે છે તેની માહિતી પણ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે ચૂંટણી પંચને જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને મામલાની આગળની સુનાવણી અઠવાડિયા પછી હાથ ધરાશે.
આ મામલો માત્ર ફોર્મની ભાષા સુધી મર્યાદિત નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ભાષાકીય સમાવેશ, મતદારોની સુવિધા અને પ્રશાસનિક વ્યવહારિકતા વચ્ચેના સંતુલન સાથે પણ જોડાયેલો છે. હાઇકોર્ટની ટિપ્પણી બાદ હવે ચૂંટણી પંચ ઉર્દૂ ભાષી મતદારો ધરાવતા વિસ્તારોમાં શું અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel