ખેડા જિલ્લામાં ગતરોજથી વાદળો હટી ગયા બાદ ગરમીનો પારો છથી સાત ડિગ્રી વધીને ૪પને સ્પર્શ્યો હતો, જેના કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી ખાસ કરીને શહેરીજનો ત્રાહિમામ થયા છે, આજે સવારે ચરોતરમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જે બપોરે એક વાગ્યા સુધીમાં ૬ ડિગ્રી જેટલા વધારા સાથે ૪૩ને પાર પહોંચતા સૌએ તોબા પોકારાવતી કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો. દિવસભર અગન ગોળા વરસાવતી ગરમી રાત્રિના ૧૦ વાગ્યા સુધી પણ કાળઝાળ અનુભવાતી રહી છે. અંગ દજાડતી ગરમી સામે પંખા, કૂલર, એ.સી.માંથી ગરમીના માહોલમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
આ સાથે સમગ્ર રાજયમાં ર૩ મે,ર૦ર૪ સુધી કાળઝાળ ગરમી અને લૂનું એલર્ટ છે, ગરમીના કારણે લોકો કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો નોકરીયાતો, દુકાનદારો પણ સવારના સમયે ઓફિસ,દુકાને પહોંચ્યા બાદ જરુરી કામ વિના કાળઝાળ ગરમીમાં બહાર જઇ રહ્યા નથી. ધોમધખતી ગરમીના કારણે બપોરના સમયે શહેરી વિસ્તારોના માર્ગો સૂમસામ બન્યાનું જોવા મળે છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડા પીણાં, આઇસ્ક્રીમ-જયુસનો સહારો લઇ રહ્યા છે. ગરમીની આગાહી સાથે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા પણ નિર્દેશ કર્યો છે. જેમાં સામાન્ય તંદુરસ્તી ધરાવતા લોકો માટે મધ્યમ તાપ સહન થઇ શકે છે. પરંતુ વૃદ્વ, ગંભીર બિમાર, નાના બાળકો સહિતના લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ રહે છે. આથી આ લોકોને ગરમીના ધખારાથી દૂર રાખવાનો પ્રયાસ કરવા સહિત શીતળ આયોજન કરવા જોઇએ.