જો તમામ દેશો ઉત્સર્જન ઘટાડવાની તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરે તો પણ ભારતની 60 કરોડથી વધુ વસતી સહિત વિશ્વભરના 200 કરોડથી વધુ લોકો ખતરનાક રીતે ભીષણ ગરમીનો સામનો કરશે. આ ગરમી એટલી ભયાનક હશે કે અસ્તિત્વની કટોકટી સર્જાઈ શકે છે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસ અનુસાર વર્તમાન સમયમાં સરેરાશ 3.5 વૈશ્વિક નાગરિકો અથવા ફક્ત 1.2 અમેરિકી નાગરિકોનું આજીવન ઉત્સર્જન ભવિષ્યના એક વ્યક્તિ માટે ભીષણ ગરમીની સ્થિતિ પેદા કરશે.
વૈજ્ઞાનિકોના અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ ધવાની સૌથી બદતર સ્થિતિમાં દુનિયાની 50 ટકા વસતી અભૂતપૂર્વ અતિશય ગરમીની લપેટમાં આવી શકે છે જે તેમના અસ્તિત્વ સામે જ સંકટ ઊભું કરશે. ક્લાઈમેટ સંબંધિત વૈજ્ઞાનિકો અનુસાર વર્તમાન સમયની ક્લાઈમેટ ચેન્જની નીતિઓના પરિણામસ્વરૂપે સદીના અંત(2080-2100) સુધીમાં તાપમાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
તાપમાનમાં આટલી વૃદ્ધિથી વિશ્વ સ્તરે હીટવેવ ઘાતક સ્તરે પહોંચી જશે. વાવાઝોડા અને પૂર તેમજ દરિયાઈ સપાટીમાં પણ ભયજનક વધારો થવાની આશંકા છે. ગ્લોબલ સિસ્ટમ્સ ઈન્સ્ટિટ્યૂટ, એક્સેટર યુનિવર્સિટી, અર્થ કમીશન સાથે સંબંદ્ધ અને નાનજિંગ યુનિવર્સિટીના રિસર્ચરોએ 2.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સ્થિતિનું આકલન કર્યું હતું.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સદીના અંત સુધી અંદાજિત વસતી (950 કરોડ) ના 22%થી 39% હિસ્સો ભીષણ ગરમી (સરેરાશ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ)ના સંપર્કમાં આવશે. એક્સેટર યુનિવર્સિટીમાં ગ્લોબલ સિસ્ટમ્સ ઈન્સ્ટિટ્યૂટના નિર્દેશક પ્રોફેસર ટિમ લેંટને કહ્યું કે આ તાપમાનને 2.7 ડિગ્રી સેલ્સિયસથી ઘટાડી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી લાવવામાં આવે તો ભીષણ ગરમીની લપેટમાં આવનાર વસતી (210 કરોડથી 40 કરોડ)માં 5 ગણો ઘટાડો થશે. અભ્યાસમાં દાવો કરાયો છે કે 60 કરોડથી વધુ લોકો(વિશ્વની લગભગ 9% વસતી ) તો પહેલાથી જ ભીષણ ગરમીની લપેટમાં છે.
જો તાપમાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતમાં 60 કરોડથી વધુ વસતી પ્રભાવિત થશે. જ્યારે 1.5 ડિગ્રી સેલ્સિયસની સ્થિતિ રહેશે તો આ આંકડો ખૂબ જ ઓછો લગભગ 9 કરોડ જ રહી જશે. જ્યારે બીજા ક્રમે સૌથી વધુ તાપમાનની અસર નાઈજિરિયામાં થશે જ્યાં આવા લોકોની સંખ્યા 30 કરોડથી વધુ રહેશે.