ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે કેનેડામાં સપ્ટેમ્બરથી કોલેજની બહાર એક સપ્તાહમાં ફક્ત 24 કલાક જ કામ કરી શકશે તેમ કેનેડા સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સપ્તાહમાં 20 કલાકથી વધારે નોકરી કરવાની અસ્થાયી મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ અસ્થાયી મંજૂરીની મુદ્દત આ જ રોજ સમાપ્ત થઇ ગઇ છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ પ્રધાન માર્ક મિલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર પ્રતિ સપ્તાહ 20 કલાકથી વધારે કામ કરવાની પરવાનગી આપતી અસ્થાયી નીતિ 30 એપ્રિલે સમાપ્ત થઇ જશે.
આ નીતિ વધુ સમય માટે લંબાવવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ સપ્તાહ કેમ્પસની બહાર કામ કરવાના કલાકોની સંખ્યા 24 કલાક કરવાનો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની લિબરલ પાર્ટીવાળી સરકારને દેશમાં કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 20 કલાકની મર્યાદા દૂર કરી હતી. જો કે આ રાહત આજે સમાપ્ત થઇ ગઇ છે. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે પસંદગીપાત્ર દેશો પૈકી એક છે. કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એેજયુકેશન (સીબીઆઇઇ)ના વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતાં.