ખેડા જિલ્લાના નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. શહેરના જવાહર નગર વિસ્તારમાં ઘટના બની હતી. જ્યાં જીરા સોડા પીધા પછી ત્રણેય વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવી હતી. ત્રણેયને સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. જોકે બીજી તરફ લઠ્ઠાકાંડની આશંકાને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જે મામલામાં FSL રિપોર્ટ આવતાં તેમાં સોડીયમ નાઈટ્રેટ પોઈઝનના કારણે મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ત્રણેય વ્યક્તિઓએ એક જ બોટલમાંથી જીરા સોડા પીધા બાદ મોત નીપજ્યા હોવાનું ખુલ્યું હતું, જે સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના વિશેરાના, પીધેલી બોટલના તેમજ ઉલટીના સેમ્પલ FSL માટે લેવાયા હતા. જે સેમ્પલ લઈને FSL અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. જે ત્રણેય વ્યક્તિઓના સેમ્પલ રિપોર્ટમાં સોડિયમ નાઈટ્રેટ પોઈઝનના કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો છે. બોટલ તેમજ ઉલટી કરેલ કોર્ટન ગેજમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝનનું પ્રમાણ મળી આવ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)