રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુકવારે રૂ.2,000ની નોટો પરત ખેચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે ખાનગીમાં, રોકડથી સોદા થતા હોય એવા ફોરેન એક્સચેન્જ બજારમાં ડોલર, યુરો અને દીરહામની માંગમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે. વેકેશનના કારણે અત્યારે ટુરિસ્ટ દેશની બહાર ફરવા જઈ રહ્યા છે અને ઉપરથી કેન્દ્ર સરકારે તા.1 જુલાઈથી વિદેશી ચલણમાં પેમેન્ટ ઉપર 20 ટકા ટેક્સ કલેકટેડ એટ સોર્સની જાહેરાત કરી હોવાથી આમ પણ રોકડ ડોલરની જંગી માંગ હતી ત્યારે નવું પરીબળ આવતા ડોલરના ભાવ વધી 88.30 સુધી પહોંચી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવે છે.
વર્ષ 2016માં નોટબંધી આવી ત્યારે પણ કેટલાક લોકોએ પોતાની પાસે હાથ ઉપર રહેલી, રદ્દ થયેલી રૂ.500 અને રૂ.1000ની નોટ સામે સોનું અને અમેરિકન ડોલર ખરીદવા માટે ડોટ લગાવી હતી. આ વખતે રૂ.2,000ની ચલણી નોટોનું પ્રમાણ તે સમય કરતા ઓછું છે પણ જેમની પાસે છે તે ધનિક છે અને મોટાભાગની રકમ ચોપડે નહી હોવાથી ડોલર અને સોના તરફ આગળ વધી રહ્યા છે.
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ડોલરની માંગ માત્ર નવી નોટબંધીના કારણે નહી પણ અન્ય પરિબળોથી ઉંચી જ હતી. સામાન્ય સંજોગોમાં બેન્કિંગ થકી મળતા વિદેશી ચલણ સામે રોકડ બજારમાં લગભગ રૂ.1.50 થી 2.50 જેટલું પ્રીમિયમ હોય છે પણ અત્યારે એકસાથે ત્રણ કારણો હોવાથી પ્રીમિયમ વધી ગયા છે. જોકે, જાણકારોનું કહેવું છે કે અમદાવાદ અને ગુજરાતની બજારમાં ફૂલ ફ્લેજ્ડ મની ચેન્જર (એફએફએમસી) કેટેગરીના ઘણા લાયસન્સ રદ્દ થઇ ગયા હોવાથી પણ બજારમાં ડોલરનો પુરવઠો ઓછો છે.
રિઝર્વ બેંકની યાદી અનુસાર અમદાવાદ પ્રાદેશિક કચેરી હેઠળ (ગુજરાત, દીવ, દમણ)લગભગ 146 જેટલા એફએફએમસી લાયસન્સ વાળા ફોરેકસ ડીલર છે. પણ, બજારના સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ નિયમોનું પાલન નહી કરવા માટે રિઝર્વ બેંકે 22 જેટલા લાયસન્સ રદ્દ કરી નાખ્યા છે.
સોમવારે અમદાવાદમાં રોકડમાં ડોલરનો ભાવ 88.30 હતો જયારે દુબઈ પ્રવાસમાં જતા લોકો માટે જરૂરી દીરહામનો ભાવ 24.20 જેટલો હતો. આ ઉપરાંત, પાઉન્ડનો ભાવ 109, યુરો 96.20 અને ઓસ્ટ્રેલીયન ડોલરનો ભાવ 56 જેટલો હતો. રિઝર્વ બેંકના રેફરન્સ રેટ અનુસાર ડોલરનો ભાવ 82.80, પાઉન્ડ 103 અને યુરો 89.60 છે.
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ફોરેકસ ડીલર અને ટ્રાવેલ એજન્ટ વિઝાની મંજૂરી આવે એટલે હાથ ઉપરના કાગળના આધારે ડોલર અને પાઉન્ડની ખરીદી રૂ.50,000ની મર્યાદામાં (એટલે પાન કાર્ડ કે અન્ય દસ્તાવેજની જરૂર પડે નહી) કરી લેતા હોય છે. આ ડોલર કે અન્ય ચલણ તે બીજા લોકોને ઊંચા ભાવે વેચી પોતાનું કમીશન રળતા હોય છે. લાયન્સ રદ્દ થઇ જતા ઓછા ટ્રાવેલ એજન્ટ બજારમાં ડોલરનો પુરવઠો આપી રહ્યા હોવાથી પણ માંગ સામે પુરવઠો ઘટી જતા ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે.