પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 26 ફેબ્રુઆરી 2024ના રોજ વિડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યના રેલ્વેના 2000 માળખાગત પ્રોજેકટ્સનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યુ. જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ/ અંડરપાસનુ લોકાર્પણ, શિલાન્યાસ કરવામાં આવ્યા. ત્યારે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની ગરીમામય ઉપસ્થિતિમાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પુન:વિકાસ માટેનો કાર્યક્રમ યોજાયો.
ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં 8 રેલ્વે અંડરબ્રિજ, મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પુન:વિકાસ અને ઓવરબ્રિજ સહિત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત મહેમદાવાદ રેલ્વે સ્ટેશનનું રૂ. 28.362 કરોડના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે. જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ, લીફ્ટ્સ, એકસેલેટર, એક્ઝિક્યુટિવ લાઉન્જ, વેઇટિંગ એરીયા અને દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી સહિતની વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
મહેમદાવાદ ધારાસભ્ય દ્વારા મહેમદાવાદ રેલવે પુન:વિકાસના કામ માટે તમામ શહેરીજનોને શુભકામનાઓ પાઠવી હતી. ડીવીઝનલ રેલ્વે મેનેજર રેલ્વે વિભાગ માટે આજના દિવસને ખૂબ જ મહત્વનો ગણાવી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દેશ ભક્તિના બોધ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હાથે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય, ડીવીઝનલ રેલવે મેનેજર, ખેડા જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો, રેલવેના અધિકારીઓ, શહેરના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.