અમેરિકા, ચીન જેવા દેશ દરિયામાં નવી અર્થવ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. હવે ભારત પણ આ જ માર્ગે ચાલી રહ્યું છે. ભૂવિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારત પ્રથમ મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ હેઠળ માનવયુક્ત સબમરીનને દરિયામાં ઉતારશે.
‘મત્સ્ય 6000’ નામની સબમરીન તૈયાર થઈ ગઈ છે. પહેલા તબક્કાનું પરીક્ષણ માર્ચ, 2024 સુધી પૂરું થઈ જશે. 2026 સુધીમાં એ 3 ભારતીયને મહાસાગરમાં 6000 મીટરની ઊંડાઈએ લઈ જશે. 5 વર્ષમાં આ મિશનની તૈયારી પૂરી થઈ ગઈ છે.
એ બધું જ જે તમારે જાણવું જરૂરી છે.
1. ડીપ ઓશન મિશન શું છે?
કેન્દ્ર સરકારની બ્લૂ ઇકોનોમી પહેલ હેઠળ આ મિશન જૂન, 2021માં ભૂવિજ્ઞાન મંત્રાલયે શરૂ કર્યું હતું. મિશન પાછળ 5 વર્ષમાં રૂ.4,077 કરોડનો ખર્ચ થશે. સમુદ્રયાન આનો જ ભાગ છે.
2. બ્લૂ ઇકોનોમી મહત્ત્વની કેમ?
દેશની જીડીપીનો 4% હિસ્સો આની સાથે જોડાયેલો છે. એ 95% વેપારમાં મદદરૂપ થશે. 7,517 કિમી લાંબી દરિયાઈ સરહદે 9 રાજ્ય, 1382 ટાપુ જોડાયેલા છે. દેશની 30% વસ્તી દરિયા પર આધારિત છે.
3. ‘મત્સ્ય’ માનવો માટે કેટલી સુરક્ષિત?
સામાન્ય ઓપરેશનમાં એ 12 કલાક મુસાફરને લઈને 6000 મીટર ઊંડે જશે.
4. આટલા ઊંડાણે જવાનો હેતુ શો છે?
રોજગારના સર્જન માટે દરિયાઈ સંસાધનનો ઉપયોગ કરવો અને શોધખોળ.
5. ત્રણે મુસાફર શું કરશે?
ઊંડા દરિયામાં દુર્લભ ખનીજ સંસાધનોની શોધ કરશે.
કેવી છે મત્સ્ય 6000?
- 2.1 મીટરનો વ્યાસ ધરાવતી ગોળાકાર સબમરીનને ચેન્નાઈના રાષ્ટ્રીય મહાસાગર ટેક્નોલોજી સંસ્થાને બનાવી છે.
- તેમાં 12 કેમેરા હશે અને તેનામાં દરિયાના તળિયેથી આવનારા ભૂકંપીય તરંગોને પકડવાની ક્ષમતા છે.
ભારત ઊંડા દરિયામાં 5મો સૌથી શક્તિશાળી દેશ હશે
- અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન પાસે જ દરિયાઈ મિશન માટે વિશિષ્ટ ટેક્નોલોજી અને સંસાધન છે.
- ચીનની સબમરીન ફેંડોઝ 11 હજાર મીટર ઊંડે પહોંચી ચૂકી છે.
- જૂન, 2023માં અરબપતિઓને દરિયાના પેટાળમાં ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા લઈ ગયેલી ટાઇટન સબમરીન 4 હજાર મીટર ઊંડે ડૂબી ગઈ હતી.